ઉપલેટામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પુરાવો આપતી એક ઘટના સામે આવી છે. ઉપલેટાના ધોરાજી રોડ પર આવેલા ઝાપા વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક સગીર યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર છે, જ્યારે તેના પિતાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ, ઉપલેટાના લાલા બાગ, મુરઘીવાડા વિસ્તારમાં રહેતા રિયાઝ ઉસ્માન સૂર્યાનો પુત્ર રિહાન સૂર્યા હોટલ પર કામે જઈ રહ્યો હતો. તે સમયે ધોરાજી રોડ પર અકરમ ઘાંચી નામના શખ્સે રિહાનનું બાઈક આડું નાખી તેને અટકાવ્યો હતો. અકરમે રિહાન સાથે બોલાચાલી કરી તેને મૂઢમાર માર્યો હતો અને જોરદાર ધક્કો મારતા રિહાન નીચે પટકાયો હતો. નીચે પડતા રિહાનનું માથું પથ્થર (બેલો) સાથે અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા રિહાનને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાંના તબીબોએ તપાસ કરતા રિહાનને મગજના અંદરના ભાગે હેમરેજ (Hemorrhage) હોવાનું નિદાન થયું હતું. તેની હાલત નાજુક હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સઘન સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાત કરતા ઈજાગ્રસ્ત રિહાનના પિતા રિયાઝભાઈ સૂર્યાએ ઉપલેટા પોલીસની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને આ હુમલો જૂની અદાવતના કારણે કરવામાં આવ્યો છે. સામેવાળા અકરમ ઘાંચીએ અગાઉ પણ રિયાઝભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેની ફરિયાદ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ઈજાગ્રસ્ત કિશોરના પિતાનો આક્ષેપ છે કે, અગાઉ ફરિયાદ કરવા છતાં ઉપલેટા પોલીસે સામેવાળા સામે કોઈ નક્કર પગલાં લીધા ન હતા અને તેમને ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું છે કે, “ઉપલેટા પોલીસ કોઈ જાતનું ધ્યાન દેતી નથી,” તેવું તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. રિયાઝભાઈએ ઉપલેટાના PI . બી.આર. પટેલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, PI આરોપીઓના માણસો છે અને તેઓ પંચને સપોર્ટ કરે છે. પોલીસ આરોપીઓને છાવરી રહી છે જેના કારણે આવા માથાભારે શખ્સોને ખુલ્લેઆમ ફરવાનો મોકો મળી રહ્યો છે.

