Site icon Gujarat Mirror

યાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત

ટેકાના ભાવ કરતા રૂા.300 સુધી નીચા ભાવે મગફળી વેંચવા જગતાત મજબૂર

દિવાળીની રજાઓ પૂર્ણ થતા રાજકોટ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. આજે યાર્ડમાં લાચ પાંચમના મુહૂર્તના સોદા કરવામાં આવ્યા હતા. મગફળીમાં ટેકાના ભાવ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતોને માવઠા બાદ બીજી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. લાલ મરચાની પણ આવક થઇ હતી જેનો રૂા.3100થી વધુમાં સોદો થયા હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે મગફળીના ટેકાના ભાવ રૂૂ. 1452 પ્રતિ મણ જાહેર કરવામાં આવેલા છે.

ખેડૂતોને હાલ બજારમાં જે ભાવ મળી રહ્યા છે તે ટેકાના ભાવ કરતા સીધા જ રૂૂ. 300 થી રૂૂ. 400 જેટલા ઓછા છે. ભારે ખર્ચ કરીને અને કુદરતી પ્રકોપનો સામનો કરીને પાક તૈયાર કરનાર ખેડૂતોને આટલો ઓછો ભાવ મળતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક હોવા છતાં નીચા ભાવ મળવાથી ખેડૂતો પોતાના પાકને ઓછા ભાવે વેચવા માટે મજબૂર બની રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોધરાએ આ પરિસ્થિતિ અંગે ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં ખરીફ પાકની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલમાં મગફળીની આવક ખૂબ જ મોટી છે, જેના કારણે બજારમાં ભાવ ઓછા જોવા મળી રહ્યા છે. જોકે, ખેડૂતોને ચિંતા કરવાની જરૂૂર નથી. મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે, અને ટૂંક સમયમાં જ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂૂ કરવામાં આવશે.

આજે રાજકોટ યાર્ડમાં 1000થી વધુ વાહનોની નોંધપાત્ર આવક થઈ હતી. આ વાહનોમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગ જેવી જણસીઓની સારીએવી આવક થઈ હતી. જેમાં મગફળીની આવક 35000 મણ, સોયાબીનની આવક 18000 મણ, કપાસની આવક 12000 મણ, અડદની આવક 12000 મણ, જીરુની આવક 3000 મણ અને મગની આવક 9000 મણ થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી તેમની ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વા.ચેરમેન તથા ડિરેક્ટરો સહિત સ્ટાફ દ્વારા આ સમગ્ર ઉતરાઈ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Exit mobile version