Site icon Gujarat Mirror

વંથલીના નવાગામમાં મગફળી બાદ ચણાનો પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપઘાત

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવાગામમાં ખેતીમાં સતત નુકસાન અને આર્થિક ચિંતાના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 65 વર્ષીય નાથાભાઈ અરભમભાઈ વાઢેરે પાક નિષ્ફળ જવાના ડર અને માનસિક તણાવમાં આવી ગઈકાલે રાત્રે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે વંથલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નવાગામના પ્રતાપભાઈ વિસાણાના ખેતરમાં ભાગીદાર તરીકે કામ કરતા નાથાભાઈ વાઢેર મૂળ માંગરોળ તાલુકાના મેખડી ગામના વતની હતા. પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે નાથાભાઈ છેલ્લા 15 દિવસથી ખૂબ જ ચિંતિત અને તણાવમાં રહેતા હતા. ચોમાસા દરમિયાન તેમનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. મગફળીની નિષ્ફળતા બાદ તેમણે પોતાના વતન મેખડીમાં આવેલી 12.5 વીઘા જમીનમાં ચણાનો પાક વાવ્યો હતો, પરંતુ તે શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની તૈયારીમાં હોવાથી તેઓ સતત ચિંતાતુર રહેતા હતા.

પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક મુશ્કેલીઓના કારણે નાથાભાઈ છેલ્લા 15 દિવસથી ઊંઘી શકતા નહોતા. તેઓ વારંવાર ખેતીમાં થતા નુકસાન બાબતે ફરિયાદ કરતા હતા. પ્રતાપભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે મગફળીનો પાક નિષ્ફળ ગયો ત્યારે સરકારના સર્વે મુજબ મળેલી સહાયમાંથી નાથાભાઈના ભાગની રકમ તેમને ચૂકવી દેવામાં આવી હતી તેમછતાં પાક નિષ્ફળ જવાથી થયેલા મોટા આર્થિક આઘાતને તેઓ જીરવી શક્યા નહીં અને અંતે 30 જાન્યુઆરીના રોજ રાત્રે 23:30 કલાકની આસપાસ સેલફોસની ટીકડીઓ ગળી જઈ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

આ ઘટના અંગે 31 જાન્યુઆરીના પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના પુત્ર પ્રતાપભાઈ નાથાભાઈ વાઢેરે આ અંગે પોલીસમાં નિવેદન આપ્યું છે. વંથલી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીમાં નુકસાનને કારણે ખેડૂતના આ આકસ્મિક નિધનથી સ્થાનિક પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

Exit mobile version