પીછો કરી રહેલ આપના નેતાઓ ઉપર હુમલો, વિસાવદરથી નકલી દૂધ ઠેઠ અરવલ્લી પહોંચતું હતું
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો પર રાજકોટ જિલ્લાના જેતપુર નજીક હુમલાનો પ્રયાસ થયો છે. આ ઘટના નકલી દૂધના ટેન્કરની રેકી કરતી વખતે અમનગર અને ખીરસરા ગામ વચ્ચે બની હતી. હુમલાખોરોએ યુવરાજસિંહની ગાડીમાં તોડફોડ કરી હતી અને તેમના મિત્રોને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, યુવરાજસિંહ જાડેજા લાંબા સમયથી શંકાસ્પદ દૂધના રેકેટની તપાસ કરી રહ્યા હતા. તેમને બાતમી મળી હતી કે અમરેલીના વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામના એક યુનિટમાંથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર અરવલ્લી જિલ્લાના બાયડ તરફ જઈ રહ્યું છે.
આ બાતમીના આધારે યુવરાજસિંહ પોતાની ટીમ સાથે આ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા. જેવું ટેન્કર જેતપુર તાલુકાની હદમાં અમનગર અને ખીરસરા વચ્ચે પહોંચ્યું, ત્યારે ટેન્કર માફિયાઓએ ફિલ્મી ઢબે યુવરાજસિંહની ગાડીને આંતરી હતી. હુમલાખોરોએ ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને તેમની સાથે રહેલા ડ્રાઇવર તથા મિત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.
આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે ચાલી રહ્યો હોવાની શંકા છે અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ મુદ્દે સતત તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખિજડિયા ગામમાંથી રોજ બે જેટલા દૂધના ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી તેમને મળી હતી. દૂધ સાચું છે કે નકલી તે જાણી લેવા માટે તેઓ સતત આ ટેન્કરોનો પીછો કરતા હતા. આજે પરબવાવડીથી હનુમાન ખિજડિયા તરફ જતા સમયે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. ટેન્કર ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકોએ ગાડી રોકી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ બાઈક પરથી પથ્થર ફેંકવામાં આવ્યો અને સ્ટીલનો રોડ ફેંકી હુમલો કરવામાં આવ્યો હતો.
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ખીરસરા ગામ નજીક બે ગાડીઓએ તેમની ગાડી ઘેરી અને અંદાજે 10થી 15 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી. તેમની સાથે રહેલા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનો એકમાત્ર હેતુ ગુજરાતની જનતાને શુદ્ધ અને સુરક્ષિત દૂધ મળે તે છે. ટેન્કર નંબર GJ-33-T-6001 છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સ્થળોએ દૂધ ખાલી કરતું હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ દૂધ અરવલ્લી જિલ્લાના કેટલાક ગામોની દૂધ મંડળી સહિત કેટલીક સહકારી ડેરીઓમાં ખાલી કરવામાં આવતું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સહકારી ડેરીઓમાં બહારના વિસ્તારનું દૂધ સ્વીકારવાની મનાઈ હોવા છતાં આ દૂધ કેવી રીતે સ્વીકારવામાં આવતું હતું? તેમની પાસે GPS ટ્રેકિંગ સહિતના કેટલાક પુરાવા ઉપલબ્ધ હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
આ દૂધમાં યુરિયા, પામ તેલ અને અન્ય રસાયણો મળ્યાની શંકા વ્યક્ત કરી હતી,તેમણે માંગ કરી કે ટેન્કરને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસ કરવામાં આવે. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને સંબંધિત વિભાગોને આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી

