ધોરાજી તાલુકાના વાડોદર ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર છેલ્લા 25 વર્ષથી એલોપેથીક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરને રાજકોટ ગ્રામ્ય એસઓજી એ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી પાસેથી મોટી માત્રામાં એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા છે.
એસ.ઓ.જી. પોલીસની ટીમને ખાનગી બાતમી મળી હતી કે વાડોદર ગામની પંચાણી શેરીમાં એક વ્યક્તિ ’મારૂૂતી ક્લીનીક’ ના નામે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે કલાણા પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. એમ.જી. કરમટાને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે ક્લીનીકમાં તપાસ કરી ત્યારે ત્યાં વિજયભાઈ નંદરામભાઈ ટીલાવત (ઉ.વ. 52) નામનો શખ્સ ગળામાં સ્ટેથોસ્કોપ લગાવીને બેઠેલો મળી આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી, તેમ છતાં તે છેલ્લા 25 વર્ષથી આ ક્લીનીક ચલાવી રહ્યો છે. મેડિકલ ઓફિસરે ખાતરી કરી હતી કે આરોપી પાસે રહેલી દવાઓથી તે દર્દીઓની સારવાર કરવા માટે સક્ષમ કે લાયક નથી.
એસઓજીએ કલીનીકમાંથી જુદા-જુદા પ્રકારની એલોપેથીક ટેબ્લેટ્સ અને ઈન્જેક્શન કિંમત રૂૂ. 30,745 તેમજ રોકડ રકમ રૂૂ. 750 અને બી.પી. ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્ટેથોસ્કોપ જેવા તબીબી સાધનો સહિત કુલ રૂૂ. 31,495 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આરોપી વિરુદ્ધ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ 1963 ની કલમ 30 હેઠળ ગુનો નોંધ્યો હતો.
રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા સાથે સ્ટાફના પિયુષભાઇ અઘેરા , નૈમિષભાઇ મહેતા ક્રિપાલસિંહ જાડેજા, પ્રુથ્વિરાજસિંહ ડોડિયાએ કામગીરી કરી હતી.

