સમયસર દીવાલ નહીં બને તો 200થી વધુ ખેતરોમાં પાણી ફરી વળવાનો ભય
ઉપલેટા તાલુકાના કુંઢેચ ગામની ભાદર નદીમાં ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી પરેશાની ભોગવી રહ્યા છે. ગયા વર્ષે ભારે વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લો થતા ચેકડેમની બંને સાઈડમાં આવેલ બે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું હોવા છતાં આજદિન સુધી કોન્ટ્રાકટર દ્વારા ચેકડેમની બંને સાઈડ કોંક્રેચના પથ્થરોની દીવાલ ન બનાવી હોવાથી આ વર્ષે પણ ખેડૂતોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે.
ઉપલેટા તાલુકાના કુંઢેચ અને નીલાખા વચ્ચે ભાદર નદીમાં ચેકડેમ આવેલ હોય અને ચેકડેમની બાજુમાં 2 કરોડ 43 લાખના ખર્ચે એલ આકારની અધૂરી દીવાલ બનાવી હોય જેને લઈને ચેકડેમની બંને બાજુ પથ્થરોની દીવાલ બનાવવાની હોય પરંતુ કોન્ટ્રાકટર દ્વારા અઘુરું કામ કરાતા ચેકડેમ ઓવરફ્લો થતાં ચેકડેમને અડીને બંને સાઈડમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ખેતર જાણે મોટા કુવા બની ગયા હતા અને મસ મોટા કુવા જેવા ખાડા પડી ગયા હતા અને બંને સાઈડના ખેતરોમાં બે બે વીઘામાં ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું અને ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.
ગામના સરપંચ વરજાંગભાઈ બોરીચાના જણાવ્યા અનુસાર ચેકડેમની બંને સાઈડમાં કોંક્રેચની પથ્થરની દીવાલ બનાવવાની હોય પરંતુ એક વર્ષ થયું હજુ દીવાલ બનાવી નથી. ડેમ ઈજનેરને પણ અનેકવાર રજુઆત કરી તો એકજ વાત કરે છે કે કોન્ટ્રાકટરને કીધું છે, થઈ જશે, નહિતર કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટમાં મુકીશુ. પરંતુ આજે આ બીજું ચોમાસુ આવી ગયું પરંતુ કોઈ કોન્ટ્રાકટર કે તંત્ર ના અધિકારી દેખાતા નથી ત્યારે જો આ વર્ષે ભારે વરસાદ પડશે તો ચેકડેમ ઓવરફ્લો થશે તો ડેમનું પાણી આ વિસ્તારના 200 થી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળશે અને ગામને પણ મોટું નુકસાન થશે એટલે ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને પોરબંદર લોકસભાના સાંસદ મનસુખભાઈ માંડવીયાને વિનંતી છે કે કોન્ટ્રાકટરને કડક ભાષામાં સમજાવી ચેકડેમનું અધૂરું કામ જે દીવાલ ફરતી બનાવવાની છે તે બનાવી આપે અને ખેડૂતોને પાયમાલ થતાં બચાવે.

