મચ્છરજન્ય રોગચાળો વકરતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના-7, ટાઇફોઇડના-3 અને કમળાનો એક કેસ નોંધાયો
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન આરોગ્ય લક્ષી આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ફરી વખત ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એક સપ્તાહમાં આ ત્રણેય રોગના સાત નવા દર્દીઓ નોંધાયા હતા અને બે વ્યકિતના મોત નીપજ્યાનું જાણવા મળેલ છે. જલજીત સોસાયટીમાં દિલીપભાઇ મેજીભાઇ કટેચીયા (ઉ.વ.57)નું તાવથી અને સાધુવાસવણી રોડ પર શીવમ સોસાયટીમાં અરવિંદ રધુભાઇ પરમાર (ઉ.વ.44)નું કમળાથી મોત નીપજ્યુ હતુ. જ્યારે શરદી-તાવ, ઉધરસના 1735, ઝાડા ઉલ્ટીના 137 અને કમળાનો એક તથા ટાઈફોડના નવા ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે મચ્છર ઉત્પતિ સબબ 389 આસામીઓને નોટીસ ફટકારી રૂા. 15050નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.08/09/2025 થી તા.14/09/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 43,493 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 859 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

