વ્યવસ્થિત માઈક્રો પ્લાનીંગ, કડક પોલીસ બંદોબસ્ત, સતત મોનિટરિંગ અને નાગરિકોને સાધન સહાય સાથે મહાનગરપાલિકાએ મહા અભિયાનનો પ્રારંભ કર્યો
આજી નદી કાંઠામાં 55000 ચો.મી.અને ટી.પી.રોડની 35000 ચો.મી. સહિત 90,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાશે
મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વર વિસ્તારમાં ટી.પી.રોડ અને નદીકાંઠાના વિસ્તારોમાં ખડકાયેલા 1498 મકાનો તોડી પાડવા છેલ્લા પાંચ દિવસથી તમામ પ્રકારની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અને આગામી સોમવાર સવારથી એક સાથે સાત ઝોનમાં ડિમોલિશનની કામગીરી શરૂ થવાની છે ત્યારે છેલ્લા 25 વર્ષથી સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર થતાં અનેક નવા રોડને પહોળાઈ મળશે. જ્યારે મુખ્ય વિસ્તારોમાંથી ડિમોલિશન થયા બાદ અંદાજે 90,000 થી વધુ ચો.મી.જગ્યા ખુલ્લી થશે. જે એક ક્રિકેટ સ્ટેડિયમ જેટલી થવા જાય છે તેમ તંત્રએ જણાવ્યું હતું.
જંગલેશ્ર્વરમાં સોમવારે ડિમોલિશનની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. આ કામગીરી અંદાજે પાંચથી સાત દિવસ ચાલવાની છે ત્યારે તમામ દબાણો દૂર થયા બાદ કેટલી સરકારી જમીન ખુલ્લી થશે તેના જવાબમાં તંત્ર દ્વારા જણાવવામાં આવેલ કે આજી નદી પટ્ટ વિસ્તારમાં 992 ગેરકાયદેસર બાંધકામો દૂર કરતાં આશરે 55000 ચો.મી. જગ્યા ખુલ્લી થશે તેવી જ રીતે અલગ અલગ ટી.પી.ના રોડ ઉપર થયેલા 497 મકાનોનું દબાણ હટાવતાં રોડ રસ્તાની આશરે 32000 ચો.મી.જગ્યા ખુલ્લી થશે. બન્ને વિસ્તારોમાં કુલ 1498 દબાણો દૂર કરતાં અંદાજે 90,000 ચો.મી.સરકારી જમીન ખુલ્લી થશે. જેમાં ખાસ કરીને નદીકાંઠાના સૌથી વધારે દબાણો હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જવાની સમસ્યા હલ થશે. નદીનો પટ્ટ પહોળો થવાના કારણે ચોમાસા દરમિયાન પડતું તમામ પાણી નદીમાં વહી જતાં નદીકાંઠાના અનેક વિસ્તારોમાં ઘુસી જતાં નદીના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળી જશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે તમામ પ્રકારની કાનૂની સહિતની અડચણો દૂર કર્યા બાદ હવે સોમવારનાં રોજ મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે ત્યારે ઝોનવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે છતાં આજથી કાર્યરત થયેલ કોન્ટ્રોલ રૂમ ખાતે ડ્રોન મારફતે થતાં વિઝયુઅલ અને સંદેશા સહિતનું મોનીટરીંગ જ્યાં સુધી ડિમોલિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી હું કંટ્રોલરૂમ ખાતે બેસીને કરતો રહીશ અને તમામ વિભાગનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી સુચનાઓ પણ આપતો રહીશ. જેના લીધે ડિમોલિશનની કામગીરીમાં સરળતા અને ડિમોલિશનની કામગીરીમાં વ્યસ્ત અધિકારીઓ, કર્મચારીઓને પણ કામગીરી કરવા માટે બળ મળશે.
*કામગીરીનો વ્યાપ વિસ્તાર અને આંકડાકીય વિગતો
– આજી નદી પટ્ટા વિસ્તાર
આશરે 55,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ
કુલ 992 મકાનો/રચનાઓ દૂર કરવાની કામગીરી
– ટી.પી. રોડ વિસ્તાર
આશરે 32,000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ
કુલ 497 મકાનો/રચનાઓ દૂર કરવાની પ્રક્રિયા
કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલી 1489 જેટલી રચનાઓ તબક્કાવાર દૂર કરવામાં આવશે.
*તા.23/02/2026થી ડિમોલિશન કાર્યવાહી
જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો તા.23/02/2026થી મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલ્કતધારક પાસેથી વસુલવામાં આવશે. સામગ્રીના નુકસાન માટે પણ સંબંધિત વ્યક્તિ જવાબદાર રહેશે. કાયદેસર જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
*કાયદાકીય પ્રક્રિયા અને પૂર્વ આયોજન
સંબંધિત રહેવાસીઓને અગાઉથી નોટિસ આપવામાં આવી, સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી, એસ્ટેટ, ટાઉન પ્લાનિંગ, એન્જિનિયરિંગ, લાઈટ, પાણી પુરવઠા તથા પોલીસ વિભાગ સાથે સંકલન, જરૂૂરી મશીનરી, માનવબળ અને વાહનોની વ્યવસ્થા, આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને કાયદેસર રીતે અમલમાં મુકાઈ રહી છે.
*સ્વૈચ્છિક દબાણ દૂર કરનાર નાગરિકોને મનપાનો સહયોગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરે. જો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરવા ઇચ્છે, તો મનપા દ્વારા શક્ય હોય ત્યાં જરૂૂરી સાધન-સામગ્રી અને તકનીકી સહયોગ આપવામાં આવશે. નાનું મશીનરી સાધન ઉપલબ્ધ કરાવવામાં સહાય, મલબા ઉઠાવવાની વ્યવસ્થા, માર્ગદર્શન માટે અધિકારીઓની હાજરી, સુરક્ષિત રીતે રચનાઓ દૂર કરવા તકનીકી માર્ગદર્શન, આ સહયોગનો હેતુ નાગરિકોને સરળતા રહે અને કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે છે.
*પોલીસ બંદોબસ્ત અને સ્થળ પર મોનિટરિંગ
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. દરેક તબક્કે કામગીરી સુવ્યવસ્થિત અને કાયદેસર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
*અલગ અગલ સાત ઝોનમાં 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની તૈનાતી
જંગલેશ્વર વિસ્તારમાં સમગ્ર કામગીરીને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા વિસ્તારને 7 (સાત) ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1 સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફીલ્ડ કર્મચારીઓની ટીમ ઝોનવાઈઝ જવાબદારી અને કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવશે. આ રીતે કાર્ય વહેંચાણ થવાથી કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકાશે.
* કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ
ડીમોલેશન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂૂમ સ્થાપિત કરવામાં આવશે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરાશે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને જરૂૂરી માર્ગદર્શન અને તાત્કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્દ્રિય નિયંત્રણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
*260થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઈક્રો પ્લાનિંગ
રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્તરે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. 64થી વધુ ઉંઈઇ મશીનો, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 ટ્રેક્ટર બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર અને મોટી સંખ્યામાં મજૂરો, ટેકનિકલ સ્ટાફ અને સુપરવિઝન ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સુનિશ્ચિત આયોજન સાથે ઝોનવાઈઝ અને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
*શહેર વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું
આ કામગીરીથી નદીના કુદરતી વહેણમાં અવરોધ દૂર થશે, વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે, ટી.પી. રોડ પર ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો થશે, નદી કાંઠા વિસ્તારને સુવ્યવસ્થિત રૂૂપ આપવામાં સહાય મળશે.
*મનપાની અપીલ
રાજકોટ મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાગરિકોને વિનંતી છે કે ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી શહેર વિકાસમાં સહભાગી બને અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.

