કેશોદના શખ્સે સોનુ ચોરી કર્યા બાદ પિતા અને પરિચિતને આપ્યું હતું
મુંબઇ પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો: એક આરોપી અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયો હતો
રાજકોટના વેપારીએ સેલ્સમેન મારફત સોનું મુંબઈ મોકલ્યું હતું, ત્યાંથી 13 કિલોથી વધુ સોનું ચોરીને સેલ્સમેન નાસી ગયો હતો. આ અંગેની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ, જૂનાગઢ એલસીબી તથા કેશોદ પોલીસે માણેકવાડાના સેલ્સમેન પાસેથી 1 કિલો સોનું કબ્જે કર્યું હતું. બાકીનું તેણે તેના પિતાને આપ્યું હતું, જે સોનું તેના ઘર પાછળ આવેલી નદીના કિનારે ઝાડ પર છુપાવ્યું હતું. પોલીસે તે પણ કબ્જે કરીને સેલ્સમેન અને તેના પિતા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ ત્રણેય આરોપીને લઈ ગઈ હતી.
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના માણેકવાડામાં રહેતો જીગ્નેશ નાથા કુછડીયા રાજકોટના જામનગર રોડ પર રહેતા અને ગોલ્ડ અને ડાયમંડનો શોરૂૂમ ધરાવતા અજયભાઈ સુરેશભાઈ ધાગડાને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. ગત તા.ર0ના જીગ્નેશ દાગીના તથા સોનાના ગઠ્ઠા મળી કુલ 13.34 કરોડની કિંમતનું 13 કિલો 4પપ ગ્રામ સોનું લઈ મુંબઈ ગયો હતો અને ત્યાં બોરીવલી વેસ્ટમાં સુમધુર સોસાયટીમાં રોકાયો હતો. ત્યાંથી આ સોનુ ચોરી કરી જીગ્નેશ નાસી ગયો હતો. આ અંગે મુંબઈના એમએચબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.
મુંબઈ પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈના એમએચબી પોલીસ સ્ટેશનના પીઆઈ ગણેશ તારગે તથા તેની ટીમ કેશોદ આવ્યા હતા. જૂનાગઢ એલસીબી તેમજ કેશોદ પોલીસની મદદ લઈ તપાસ શરૂૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન કેશોદ પોલીસને જીગ્નેશ નાથા કુછડીયા, યશ જીવા ઓડેદરાને કેશોદ સોના સાથે લઈ આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે જીગ્નેશ નાથા કુછડીયા અને યશ જીવા ઓડેદરાને ત્યાં તપાસ કરતા તેની પાસેથી 1 કિલો સોનું મળ્યું હતું. વધુ પૂછપરછ કરતા જીગ્નેશે બાકીનું સોનું તેના પિતા નાથા હરદાસ કુછડીયાને આપી દીધુ હોવાની કબૂલાત આપી હતી. કેશોદ પોલીસ, એલસીબી અને એમએચબી કોલોની પોલીસની ટીમે માણેકવાડામાં તપાસ કરી હતી, જેમાં નાથા હરદાસ કુછડીયા પાસેથી બાકીનું 1ર કિલોથી વધુ સોનું કબ્જે કર્યું હતું.
કેશોદ પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, જીગ્નેશ અને યશની પૂછપરછ દરમ્યાન બાકીનું સોનુ જીગ્નેશના પિતા નાથા હરદાસ પાસે હોવાનું ખૂલતાં તેણે આ સોનુ તેના ઘર પાછળ આવેલી નદીના કિનારે આવેલા ઝાડ પર છુપાવ્યું હતું, જ્યાંથી આ સોનુ કબ્જે કરવામાં આવ્યું હતું. મુંબઈની એમએચબી કોલોની પોલીસ માણેકવાડાના જીગ્નેશ નાથા કુછડીયા, યશ જીવા ઓડેદરા અને નાથા હરદાસ કુછડીયાની ધરપકડ કરી મુંબઈ લઈ ગઈ છે. પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, નાથા હરદાસ કુછડીયા અગાઉ હત્યા તથા દારૂૂના કેસમાં પકડાયો છે. આમ, મુંબઈમાંથી થયેલા 13 કિલોથી વધુના સોનાની ચોરીના કેસમાં તમામ મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે.

