Site icon Gujarat Mirror

વીજબિલના વિરોધમાં 10મીએ વીજકર્મચારીઓ ઉતરશે રસ્તા પર

નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સ (NCCOEEE) ના આહવાન પર દેશભરના અંદાજે 27 લાખ વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો, 10 માર્ચ 2026 ના રોજ સૂચિત ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ 2025 ને સંસદમાં રજૂ કરવાના વિરોધમાં કાર્યબહિષ્કાર કરી રસ્તા પર ઉતરી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આ નિર્ણય આજે નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સની ઓનલાઈન બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબેએ કરી હતી.

બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, NCCOEEE એ કેન્દ્રીય ઉર્જા મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ખેડૂત વિરોધી, ગ્રાહક વિરોધી અને કર્મચારી વિરોધી ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ 2025 સંસદમાં રજૂ કરવામાં ન આવે. જો સરકાર આ બિલ સંસદમાં રજૂ કરશે તો દેશભરના વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો તેનો જોરદાર વિરોધ કરશે.

શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, અગાઉ ઉર્જા મંત્રાલયે આ બિલ પર હિતધારકો પાસેથી સૂચનો માંગ્યા હતા. દેશભરના પાવર સેક્ટર સાથે જોડાયેલા તમામ ફેડરેશનો, ટ્રેડ યુનિયનો અને સંગઠનોએ સર્વસંમતિથી કહ્યું હતું કે આ બિલ જનવિરોધી છે અને તેને પાછું ખેંચવું જોઈએ.પરંતુ હિતધારકોની ટિપ્પણીઓને ન તો જાહેર કરવામાં આવી અને ન તો પરામર્શ બેઠકોની કાર્યવાહી (મિનિટ્સ) જારી કરવામાં આવી. તેના બદલે, 30 જાન્યુઆરી 2026 ના રોજ ઉર્જા મંત્રાલયે એક વર્કિંગ ગ્રુપની રચના કરી જેમાં ’ઓલ ઈન્ડિયા ડિસ્કોમ એસોસિએશન’ ને પણ સામેલ કરવામાં આવ્યું છે, જે ખુલ્લેઆમ વીજ ક્ષેત્રના ખાનગીકરણનું સમર્થન કરી રહ્યું છે. શૈલેન્દ્ર દુબેએ કહ્યું કે જે સંગઠને પહેલાથી જ આ બિલનું સમર્થન કરી દીધું છે, તેને જ કાયદાને અંતિમ સ્વરૂૂપ આપનારા વર્કિંગ ગ્રુપમાં સામેલ કરવું એ સમગ્ર પ્રક્રિયાને પક્ષપાતી અને ગેરબંધારણીય બનાવે છે.

તેમણે ઉમેર્યું કે દેશભરના વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો ઉર્જા મંત્રાલયના આ એકપક્ષીય પગલા સામે ઊંડો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેનો સખત વિરોધ કરવા માટે તૈયાર છે. NCCOEEE એ એવો પણ નિર્ણય લીધો છે કે 09 માર્ચના રોજ દિલ્હીમાં એક બેઠક યોજવામાં આવશે, જેમાં તમામ રાજકીય પક્ષોના સાંસદોને આમંત્રિત કરી તેમને આ બિલની ખેડૂતો, ગરીબ ગ્રાહકો અને વીજ કર્મચારીઓ પર પડનારી ગંભીર અસરો વિશે જાણકારી આપવામાં આવશે.

સાંસદોને વિનંતી કરવામાં આવશે કે જો આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તો તેઓ તેનો વિરોધ કરે અને કોઈપણ સંજોગોમાં તેને પસાર થવા ન દે.આ બેઠકમાં ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના ચેરમેન શૈલેન્દ્ર દુબે, જનરલ સેક્રેટરી પી. રત્નાકર રાવ, ઓલ ઈન્ડિયા પાવર ડિપ્લોમા એન્જિનિયર્સ ફેડરેશનના પ્રમુખ આર.કે. ત્રિવેદી, ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝના જનરલ સેક્રેટરી મોહન શર્મા, કૃષ્ણા, ઈલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી અને નેશનલ કોઓર્ડિનેશન કમિટીના ક્ધવીનર સુદીપ દત્તા, વાઇસ પ્રેસિડેન્ટ સુભાષ લાંબા અને ઓલ ઈન્ડિયા પાવરમેન ફેડરેશનના આર.કે. પરાશર સહિત અન્ય મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ફેડરેશનોએ પોતપોતાના સભ્યોને એલર્ટ જારી કરીને સૂચના આપી છે કે 10 માર્ચના રોજ ઈલેક્ટ્રિસિટી (એમેન્ડમેન્ટ) બિલ 2025 ના વિરોધમાં કાર્યબહિષ્કાર કરી રસ્તા પર ઉતરવાની તૈયારી કરે.

આ આંદોલનમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના 7000 ઈજનેરો અને 40000 વિજકર્મચારીઓ પણ ગુજરાતમાં આ બિલના વિરોધમા પ્રદર્શન કરશે. તેમ ઉર્જા સંયુક્ત સંકલન સમિતિમા AGVKS ના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ ભાઇ પટેલ અને GEBEA ના સેક્રેટરી જનરલ એચ. જી. વઘાસિયાની યાદિ મા જણાવવામા આવે છે. આ દિવસે ગુજરાત ભરમાં જો 10-03-2026 ના રોજ સંસદમાં ઇલેક્ટ્રીસીટી એમેંડમેંડ બિલ સવારમાં રજુ થશે તો ગુજરાત ભરની મુખ્ય ઓફિસો પર ઈજનેરો તથા કર્મચારીઓ લંચ સમય બપોરે 02:00 થી 02:30 દરમિયાન પ્રદર્શન કરશે. અને બિલ બપોર પછી રજુ થશે તો સાંજના 06:30 કલાકે દરેક ઓફિસ આગળ વિરોધ પ્રદર્શન કરવામા આવશે. અને આ દરમિયાન ગુજરાત ભરમાં વિજ સપ્લાયમાં કોઈ પણ જાતનો વિક્ષેપ નહિ પડવા દેવામા આવે. પરંતુ આગામી દિવસોમાં કેંદ્ર સરકાર દ્વારા વિજ વિભાગને ખાનગીકરણ તરફ લઈ જવાના પ્રયાસોનો વિરોધ પ્રદર્શન કરવાની ના છુટકે ફરજ પડશે.

Exit mobile version