બાર કાઉન્સિલ ગુજરાતમાં છેલ્લી ટર્મથી ચૂંટાતા આવેલા સિનિયર સભ્ય અફઝલખાન પઠાણનું ગઈ તા. 12/ 04/ 2025 ના રોજ અવસાન થયાને પગલે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ અનુસાર તે ખાલી પડેલી જગ્યા 15 દિવસમાં ચૂંટણી દ્વારા ભરવાની હોય છે. અને આ ખાલી પડેલી જગ્યાની ચૂંટણીમાં બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકતા હોય છે.
આ ચૂંટણીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલે પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે કામગીરી કરવાની હોય છે. જેમાં સભ્ય અફઝલખાન પઠાણના અવસાનને કારણે પડેલી ખાલી જગ્યાને ભરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇન્ચાર્જ સેક્રેટરી તરફથી આજે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીના નોટિસ બોર્ડ પર મુકવા ચક્રો ગતિમાન થયા હતા. જેમાં તા. 21/ 04/ 2025થી તા. 23/ 04/ 2025 એમ ત્રણ દિવસ સવારના 11.00 કલાકથી સાંજે 5.00 વાગ્યા સુધીમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યની ઉમેદવારી કરવા માટેનું ફોર્મ બાર કાઉન્સિલના બે ચૂંટાયેલા સભ્યોની સહીથી ભરી શકાશે.
અને તા. 24/04/2025 ના રોજ, જે પણ ધારાશાસ્ત્રી ઉમેદવારોએ ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભર્યા હશે તેમના ફોર્મની ચકાસણીની કામગીરી કરવામાં આવશે. અને તા.25/ 04/ 2025ના રોજ કોઈપણ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા ઈચ્છતો હોય તો તે ઉમેદવારી ફોર્મ પરત લઇ શકશે. અને જો બેથી વધુ ઉમેદવાર હશે તો તા.26/ 04/ 2025ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મળનારી સાધારણ સભામાં બેલેટ પેપર દ્વારા લોકશાહી પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવશે. અને જેમાં વધુ મત મેળવનાર ધારાશાસ્ત્રી ઉમેદવારને બાર કાઉન્સિલના ચૂંટાયેલ સભ્ય તરીકે જાહેર કરવામાં આવશે, તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ફાઇનાન્સ કમિટી ચેરમેન અનિલ કેલ્લા અને ઇન્ચાર્જ સેક્રેટરી સિદ્ધિ ડી. ભાવસાર દ્વારા જણાવાયું છે
