Site icon Gujarat Mirror

રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃધ્ધાનું પટકાતાં મોત

મહારાષ્ટ્રના વૃધ્ધા પરિવાર સાથે જાત્રાએ નીકળ્યા હતાં : પાણીની બોટલ લેવા ઉતર્યા ને ટ્રેન ઉપડી જતાં બનેલો બનાવ

રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઉપડી ગયા બાદ ચાલુ ટ્રેને ચડવાની ઘટનામાં અગાઉ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આવો જ વધુ એક બનાવ રાજકોટ રેલવે સ્ટેશન ઉપર સામે આવ્યો હતો. મહારાષ્ટ્રનાં વૃધ્ધા પરિવાર સાથે જાત્રાએ જવા નીકળ્યા હતાં. જેઓ રાજકોટ રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા નીચે ઉતર્યા ત્યારે જ ટ્રેન ચાલુ થઈ જતાં તેઓ દોડીને ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાયા હતાં. જેમનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, મહારાષ્ટ્રનાં પૂણેમાં મુકુંદનગર વિસ્તારમાં રહેતાં જયોતીબેન રામરતન સોની (ઉ.65) નામના વૃધ્ધા તેમના પરિવાર સાથે પૂણેથી વેરાવળ જતી ટ્રેનમાં જાત્રા માટે નીકળ્યા હતાં. દરમિયાન આજે બપોરે ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે વૃધ્ધા પાણીની બોટલ અને દૂધ લેવા માટે નીચે ઉતર્યા હતાં. તેઓ પાણીની બોટલ લેતાં હતાં ત્યારે જ ટ્રેન ચાલુ થઈ જતાં તેઓ ટ્રેનમાં ચડવા માટે દોડ્યા હતાં. દરમિયાન ચાલુ ટ્રેને ચડવા જતાં વૃધ્ધાનો પગ લપસતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી જતાં ટ્રેન નીચે ગરકાવ થઈ ગયા હતાં. જેમાં તેમને પગના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધાના પતિ એડવોકેટ હોવાનું અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પરિવાર સાથે સોમનાથ-દ્વારકા-અંબાજી સહિતના મંદિરે દર્શન કરવા માટે જાત્રાએ નીકળ્યા હતાં. ત્યારે જ આ બનાવ બનતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Exit mobile version