Site icon Gujarat Mirror

વિનોદનગરમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત

શહેરમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા વિનોદનગરમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર લીધો હતો. વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા વિનોદનગરમાં રહેતા લવજીભાઈ રાજાભાઈ રામાણી નામના 73 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં લવજીભાઈ રામાણી બે ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. લવજીભાઈ રામાણીએ બીમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં દૂધસાગર રોડ ઉપર રહેતા પરિવારની રીંકીદેવી પ્રમોદભાઈ ઠાકોર નામની 24 દિવસની માસુમ બાળકીને દૂધ પીવડાવીને સુવાડી દેવામાં આવી હતી. પરંતુ માસુમ બાળકી સુતા બાદ ફરી નહીં ઉઠતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version