ગુજરાત
પ્રિ-સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ, સરકારના નિયમ સામે આક્રોશ
ગાંધીનગરમાં ધરણાંની પરવાનગી નહીં મળતા જિલ્લા કક્ષાએ સાંજે રેલીનું આયોજન, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલો માટે આકરા નિયમો બનાવતા સંચાલકો દદ્વારા તેના વિરોધમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખી હડતાલ પાડી ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા રેલીની અને ધરણાની પરવાનગી નહી મળતા જિલ્લા કક્ષાએ સાંજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રીને રજૂઆત કરી ન્યાયની કાર્યવાહી કરવા માંગ કરી હતી. અને યોગ્ય નહી થાય તો આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આ અંગે ગુજરાત ઈન્ડિપેડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલ માટે મરણતોલ નિયમો બનાવ્યો છે. જેનાથી ભવિષ્યમાં પ્રિ-સ્કુલોને તાળા લાગી શકે છે. આ બાબતે અનેક વખત રજુઆત કરવા છતા નિરાકરણ નહીં આવતા આજે રાજયની 40 હજાર પ્રિ સ્કુલોમાં શિક્ષણકાર્ય બંધ રાખી અને ગાંધીનગરમાં ધરણા કરવાના કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ધરણાની મંજુરી નહી મળતા વિરોધ નોંધાવ્યો હતો અને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ બાળ કલ્યાણના મંત્રીને મળી યોગ્ય કરવા રજુઆત કરાઇ હતી.
વધુમાં રાજકોટ ઝોનના કો-ઓર્ડીનેટર ચિરાગભાઇ સાકરીયા, હરીશભાઇ ચૌહાણ, મિલનભાઇ દોશી સહીતના હોસેદારોએ કહ્યું હતું કે ગાંધીનગરમાં ધરણાની મંજુરી મળી નથી જેથી વિરોધ પ્રદર્શન કરવા જિલ્લા કક્ષાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ ખાતે સાંજે 5 થી 6 વાગ્યા સુધી બહુમાળી ભવન ચોક ખાતેથી મહીલા પોલીસ ચોકી સુધી રેલી કાઢવામાં આવશે અને નિયમમાં ફેરફાર કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વધુમાં હોદેદારોએ કહ્યું હતું કે સરકારના નિયમથી પ્રિ સ્કુલના ભવિષ્ય પર જોખમ તોળાઇ રહ્યું છે અને આગામી દિવસોમાં કદાચ બાળકો માટે પ્રિ સ્કુલો સ્વપ્ન સમાન થઇ જશે નિયમોની અમલવારી મુશ્કેલીજનક છે અને આગામી દિવસોમાં સંચાલકોને તાળા મારવાનો વારો આવી શકે છે. તેવી વ્યથા ઠાલવી હતી.
સરકાર સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓ
કોઇપણ (રેસીડેન્સીયલ, કોમર્શિશયલ, એજયુકેશનલ) બી.યુ. પરમીશન માન્ય રાખવામાં આવે અને બી.યુ. પરમીશન ન હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટીફીકેટને પણ માન્ય રાખવામાં આવે. 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો 11 મહિનાનો નોટરાઇઝડ ભાડા કરારની મંજુરી આપવામાં આવે તેમજ ટ્રસ્ટ / નોન પ્રોફીટ કંપની / સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રિ-સ્કુલની નોંધણી માટે હોવો જોઇએ.