Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગર કલેકટરને ત્યાં ઈ.ડી.ની તપાસ

મામલતદાર-નાયબ મામલતદાર-કોન્ટ્રાકટર-વકીલને ત્યાં પણ વહેલી સવારથી ટુકડીઓ ત્રાટકતા ભારે ખળભળાટ, કુલ આઠેક સ્થળે સર્ચ

સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને આજે વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડાયરેકટર (ઈ.ડી.) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતાં કર્મચારી અધિકારી વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. આ સિવાય એક મામલતદાર, એક કોન્ટ્રાકટર અને વકીલને ત્યાં પણ ઈડીની ટીમો ત્રાટકી છે.

મળતી માહિતી મુજબ આજે સવારે ઈડીની એક ટુકડી જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્ર પટેલના સરકારી નિવાસસ્થાને ત્રાટકી હતી જ્યારે અન્ય એક ટુકડી કલેકટર કચેરીમાં જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રાવલયા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ત્રાટકી હતી.

જો કે, આ તપાસ કયા પ્રકરણને લઈને કરવામાં આવી રહી છે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી પરંતુ જમીન અથવા ખનીજને લગતાં કોઈ પ્રકરણમાં મોટા નાણાંકીય વ્યવહારો થયાની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઈડીની તપાસ દરમિયાન બન્ને અધિકારીઓની બેનામી સંપતિનો ખુલાસો થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. ઈડીના અધિકારીઓએ કલેકટર કચેરીના કેટલાક કર્મચારીઓના નિવેદનો પણ નોંધ્યા હોવાનું જાણવા મળે છે.

આ સિવાય એક મામલતદાર, એક સરકારી કોન્ટ્રાકટરને અને એક વકીલને ત્યાં પણ ઈડીની ટીમ પહોંચી હોવાની અને તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં કુલ આઠેક સ્થળે તપાસ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

Exit mobile version