Site icon Gujarat Mirror

અમરેલીના ખાંભા ગીરમાં મોડી રાત્રે 2.0ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

નિદ્રાધીન ગ્રામજનો ઘરની બહાર દોડયા, : છેલ્લા 15 દિવસમાં અનેક આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં કુદરતી પ્રકોપ જેવો માહોલ સર્જાયો છે, જ્યાં સોમવારે મોડી રાત્રે અચાનક ધરતી ધ્રૂજી ઉઠતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રે 9:51 કલાકે જ્યારે લોકો વિશ્રામની તૈયારીમાં હતા, ત્યારે જમીનમાંથી આવતા ગડગડાટ અને ધ્રુજારીએ સૌને ભયભીત કરી દીધા હતા. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ઈંજછ) દ્વારા પણ આ ભૂકંપના આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

સિસ્મોલોજી વિભાગના આંકડા મુજબ, રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 2.0 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે. કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી અંદાજે 42 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું છે. હળવી તીવ્રતા હોવા છતાં, શાંત વાતાવરણમાં ધરા ધ્રૂજવાના કારણે નાના વિસાવદર, ભાડ, ઇંગોરાળા અને મીતીયાળા જેવા ગામોમાં લોકોએ સ્પષ્ટ ધ્રુજારી અનુભવી હતી. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી.

Exit mobile version