ભગવતી સોસાયટીમાં આધેડ અને ભોલેનાથ સોસાયટીમાં યુવકે બાઈકચાલકને ટપારતાં બઘડાટી બોલી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પુરપાટ ઝડપે વાહન ચલાવતાં શખ્સોને સમજાવતાં લોકો ઉપર હુમલા થયાની ઘટના સામે આવી છે ત્યારે ભગવતી સોસાયટીમાં આધેડ અને ભોલેનાથ સોસાયટીમાં યુવકે બાઈક ધીમુ ચલાવવા મુદ્દે ઠપકો આપતાં વાહન ચાલકોએ હુમલા કર્યા હતાં. હુમલામાં ઘવાયેલા આધેડ અને યુવકને સારવાર માટે ખસેડાયા હતાં.
પોલીસમાંથી મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર ભગવતી સોસાયટીમાં રહેતા જાવેદભાઈ મહમદભાઈ બ્લોચ નામના 50 વર્ષના વેપારીએ શેરીમાંથી બાઈક ધીમે ચલાવવાનું કહેતા મુન્ના, કાસમ અને સદામ નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વેપારી આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
બીજા બનાવમાં મવડી વિસ્તારમાં આવેલી ભોલેનાથ સોસાયટીમાં રહેતા ઘુસાભાઈ ગીગાભાઈ જાદવ (ઉ.42)એ રાત્રિના સમયે ઘર પાસેથી બાઈક લઈને નીકળેલા મનીષ લોઢાને બાઈક ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો.
જેથી મનીષ લોઢાએ ફોન કરી તેના માસિયાઈ ભાઈ ઋત્વીક ઉર્ફે દાદુ લોધાને બોલાવ્યો હતો અને બન્ને શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ધુસાભાઈ જાદવે હુમલાખોર બન્ને શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

