Site icon Gujarat Mirror

ધુરંધર-2ની ધમાલ, થિયેટરો 24 કલાક ખુલ્લા રહેશે

અમદાવાદ-મુંબઇના સિનેગૃહોમાં રાત્રે 1.50 વાગ્યાથી શો શરૂ થશે

રાજકોટમાં સવારે 7થી રાત્રે 3 વાગ્યા સુધીના શો

આદિત્ય ધરની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ’ધુરંધર: ધ રિવન્જ’ (ધુરંધર-2) ગુરૂવારથી સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. રણવીર સિંહ સ્ટાર આ ફિલ્મને લઈને ચાહકોમાં એટલો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે અમદાવાદ અને મુંબઈના થિયેટરો હવે 24 કલાક કાર્યરત રહેશે. માંગને પહોંચી વળવા માટે ફિલ્મના શો વહેલી સવારે 1.55 વાગ્યે શરૂૂ કરવામાં આવી રહ્યા છે, જે ભારતીય સિનેમામાં ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે રાજકોટમાં પણ સવારે 7થી રાત્રીના 3 વાગ્યા સુધીના શો રાખવામાં આવ્યા છે.

મુંબઈના ચાકાલા વિસ્તારમાં આવેલ પીવીઆર અને સાયન સ્થિત મૂવી મેક્સ જેવા થિયેટરોમાં વીકેન્ડ દરમિયાન રાત્રે 1.50 વાગ્યાથી જ શો શરૂૂ કરી દેવામાં આવશે. માત્ર મુંબઈ અને ઠાણે જ નહીં, પણ અમદાવાદના કોનપ્લેક્સ સિનેમામાં પણ ગુરુવારથી જ મધ્યરાત્રિ પછીના શો શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના અન્ય ઘણા શહેરોમાં પણ 24 કલાકમાં આ મોડેલ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.

’ધુરંધર 2’ફિલ્મ 4 કલાક લાંબી છે જે એક્ઝિબિટર્સ માટે એક મોટો પડકાર બની છે. ટ્રેલર, ઈન્ટરવલ અને એક શો પછી બીજા શો માટેની તૈયારીના સમયને ગણતા દરેક શો માટે આશરે 4 કલાક અને 40 મિનિટનો સમય જોઈએ છે. આટલી લાંબી ફિલ્મ હોવાને કારણે નિયમિત સમયમાં મર્યાદિત શો જ શક્ય હતા, જેના કારણે થિયેટર માલિકોએ મધ્યરાત્રિ પછીના અને વહેલી સવારના શો ઉમેરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મની એડવાન્સ બુકિંગે રિલીઝ પહેલા જ સફળતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં આશરે 15 લાખ ટિકિટો વેચાઈ ચુકી છે. આમાંથી લગભગ અડધી ટિકિટો બુધવારના પેઈડ પ્રિવ્યૂ શો માટે વેચાઈ છે, જે ફિલ્મની સત્તાવાર રિલીઝના એક દિવસ પહેલા યોજાશે. પેઈડ પ્રિવ્યૂ દ્વારા ફિલ્મે અત્યાર સુધીમાં 35 કરોડ રૂૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ આંકડો ગયા વર્ષે પવન કલ્યાણની ફિલ્મ ’ધે કોલ હિમ ઓજી’ દ્વારા સ્થાપિત 25 કરોડ રૂૂપિયાના રેકોર્ડ કરતા ઘણો વધારે છે. આ ઉપરાંત, ફિલ્મે પહેલા દિવસના એડવાન્સ બુકિંગ માટે પણ 21 કરોડ રૂૂપિયાની કમાણી કરી લીધી છે.

રણવીર સિંહની આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશી બજારોમાં પણ ધૂમ મચાવી રહી છે. ઉત્તર અમેરિકામાં પ્રી-સેલ્સ દ્વારા 5 મિલિયન યુએસ ડોલરની કમાણી કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે ’ધુરંધર 2’ નું કુલ એડવાન્સ બુકિંગ કલેક્શન અત્યાર સુધીમાં 125 કરોડ રૂૂપિયાને વટાવી ગયું છે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે અને જે પ્રકારે એડવાન્સ બુકિંગના આંકડા સામે આવી રહ્યા છે, તે જોતા આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોમાં સામેલ થઈ શકે છે.

Exit mobile version