બે દિવસમાં એક લાખ જેટલા ભાવિકો ઉમટ્યા: હોટલ-રીસોર્ટ, અતિથિ ગૃહો અને હોમ-સ્ટેના રૂમો હાઉસફુલ
સમગ્ર દેશ – દુનિયામાં નાતાલના વેકેશન માણવાનો પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. ત્યારે ભારતના પશ્ચિમ કિનારે વસેલી ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં તા. 20 ડિસેમ્બરથી જ દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. દેશ વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજયોમાંથી ભાવ, શ્રધ્ધા અને આસ્થા સાથે દ્વારકા આવી પહોંચેલા ભકતોએ ભાવવિભોર થઈને દ્વારકાધીશના દર્શન કરી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રના વડાઓ જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ વડા જયરાજસિંહ વાળા, દ્વારકા ડિવિઝનના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ, પ્રાંત અધિકારી અમોલ આવટે, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણ વિગેરેએ દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે અને દ્વારકા ક્ષેત્રની સર્કિટ ઉપર આવતાં તીર્થક્ષેત્રો અને પ્રવાસન સ્થળો પર યાત્રીકોને સુઘડ વ્યવસ્થા મળે તેની કમાન સંભાળી છે. અહીં અધિકારીઓનો હેડ ક્વાર્ટર છોડીને દ્વારકામાં અવિરત મુકામ રહ્યો છે.
દ્વારકા ખાતે દર્શનાર્થે આવી રહેલા યાત્રિકોની હકડેઠઠ ભીડને લઈને વિવિધ વેપાર, વ્યવસાય સાથે સંકળાયેલ ધંધાર્થીઓ પણ નજરઅંદાજ થયાનું કહેવાય છે. જેનું કારણ એ છે કે જીવન જરૂૂરીયાતની ચીજવસ્તુઓ અને ટ્રાન્સપોર્ટેશન અને ઉતારાની વ્યવસ્થા ટૂંકી પડી રહી છે. પરંતુ દ્વારકાવાસીઓ શકય તેટલા પ્રયત્નોથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની વ્યવસ્થા માટે આતુર છે.
દ્વારકાના જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો અને શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો ઉપર 24 કલાક અવર-જવર જોવા મળી રહી છે. આ નજારો જોઈને એવું લાગી રહ્યું છે કે દ્વારકા કોઈ મહાકાય શહેરમાં સમાવેશ થયો હોય તેવો આભાસ દ્વારકાવાસીઓ અનુભવી રહયા છે.
દ્વારકાધીશ મંદિરમાં પણ મંદિરના વારાદાર પૂજારીઓ પ્રવિણભાઈ, દિપકભાઈ, હેમલભાઈ અને ગુગળી જ્ઞાતિના પંડાઓ દ્વારા વહીવટીતંત્રને સહકાર સાથે દર્શનાર્થીઓ માટે સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે ભીડને લઈને દ્વારકાના ગોમતી ઘાટ ઉપરથી છપ્પનસીડી પસાર થઈને યાત્રીકોને દર્શનાર્થે પ્રવેશ કરવા માટે બેરીકેટીંગ મૂકવામાં આવ્યું છે અને યાત્રીકોને ચુસ્ત સુરક્ષા સાથે જરૂૂરી ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દ્વારકામાં આવેલી ધાર્મિક સંસ્થાઓ, શંકરાચાર્ય મહારાજની પ્રાચીન શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી શકિતપીઠ, સનાતન સેવા મંડળ, ભારત સેવાશ્રમ, ભકિતધામ આશ્રમ, સ્વામિનારાયણ આશ્રમ, સન્યાસાશ્રમ જેવા અનેકવિધ સંસ્થાઓમાં યાત્રિકોની રહેવાની અને ઘર્મના સત્સંગ માટેની વ્યવસ્થા સંસ્થાઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરાઈ છે. જેને લઈને દ્વારકા નગરની ગલીઓ, મહોલ્લાઓ અને જાહેર સ્થળોમાં સર્કલો ઉપર માત્ર ને માત્ર ધર્મમય માહોલ જ જોવા મળી રહ્યો છે.

