યાત્રાધામ દ્વારકામાં સોમવતી અમાવસ્યાના પાવન અવસરે ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા. સોમવાર અને અમાસના પાવન અવસરે હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં પાવનકારી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું બાદ વહેલી સવારથી જ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. અમાસના પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર વહેલી સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટયા હતા. સવારે શૃંગાર આરતીએ ઠાકોરજીને ગુલાબી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પુજારી પરિવાર દ્વારા કરાયા હતા જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો.
સોમવતી અમાવસ્યાએ યાત્રાધામ દ્વારકામાં ભાવિકો ઊમટયા

