Site icon Gujarat Mirror

વિધર્મીઓને દાંડિયારાસમાં પ્રવેશ બંધી ફરમાવવા માગણી, ભાજપ નેતાએ કહ્યું, આ શક્ય નથી!

હિન્દુ-મુસ્લિમનો મુદ્દો હોવો જોઇએ નહીં, લુખ્ખાઓને ભરી પીશું: સુરેન્દ્રસિંહ વાળા; આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત

નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. કેટલાક આયોજકો દ્વારા એક દિવસના રાસ-ગરબાનું આયોજન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સિઝનવાળાઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે લવજેહાદના કિસ્સાઓ ન બને તે માટે વિધર્મીઓને ગરબામાં પ્રવેશ નહી આપવા હિન્દુ સંગઠનો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને ભાજપના નેતા અને ગરબાના આયોજકો તે શકય નહીં હોવાનું અને આ વાત સાથે સહમત પણ નથી તેમ જણાવ્યું હતું.

આજરોજ રાજકોટ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નવરાત્રી જેવા તહેવારની આડમાં વિધર્મીઓ સનાતનની દીકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. તેમજ ત્યારબાદ તેનું ધર્માંતરણ પણ કરાવે છે.

ડિસ્કો દાંડિયા જેહાદી માનસિકતા ધરાવતા લોકો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેથી દર વર્ષે અનેક દીકરીઓ જેહાદનો શિકાર બની રહી છે. ત્યારે ડિસ્કો દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીઓને પ્રવેશ નિષેધ કરવામાં આવે. વિઘર્મીઓને નવરાત્રી સાથે કોઈપણ લેવાદેવા નથી તેમ છતાં તેઓ શા માટે ડિસ્કોડ દાંડિયામાં જોડાઈ છે? ન તો તેઓ મૂર્તિ પૂજામાં માને છે ને ભગવાનમાં કે ના માતાજી માં માને છે. ત્યારે તેમનો પ્રવેશ નિષેધ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત રાજકોટ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી અર્વાચીન દાંડીયાનું આયોજન કરતા અને ભાજપના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાએ આ બાબતે જણાવ્યું હતું કે આપણી હિન્દુ સંસ્થાઓ દ્વારા રજુઆતો કરાય છે.

પરંત આ શકય નથી. નવરાત્રી ટુંકાગાળાનું આયોજન છે. જેમાં સામાજીક અને કાયદાકીય રીતેપણ શકય નથી. વિધર્મીઓને પ્રવેશ ન આપવો તેમાં મારો વિરોધ છે. વિધર્મીઓની દીકરીઈઓ પણ રમવા આવતી હોય છે. 25 વર્ષમાં કયારેય આવો બનાવ બન્યો નથી. અને જો આવા લુખ્ખાઓ આવશે તો તેને છોડવામાં પણ નહીં આવે. વધુમાં જણાવ્યું હતું કે આપણે પણ આપણા સંસ્કારો જાળવી રાખવા જોઇએ. ખોટી રીતે મર્યાદા ઓળંગશે તો તેને છોડીશું નહીં. હિન્દુ-મુસ્લિમ ન હોવું જોઇએ. પણ અમે અસામાજીક તત્વોને ભરી પીવા તૈયાર છીએ તેમ અંતમાં કહ્યું હતું.

Exit mobile version