રાજકોટ ડિવીઝનમાં વર્ષ 2025-26 માટે નવગઠિત મંડળ રેલ ઉપભોકતા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં તેજસ એકસપ્રેસ અને હરિદ્વારની ટ્રેન રાજકોટને ફાળવવા માંગ કરવામાં આવી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ અને રેલવે સલાહકાર સમિતિના સભ્ય પાર્થ ગણાત્રાએ રેલવે સમક્ષ માંગ કરી હતી કે તેજસ એકસપ્રેસને કાયમી કરવામાં આવે તો મુસાફરોને ફાયદો મળી શકે છે. સૌરાષ્ટ્રના મુસાફરોને મુંબઈની વધુ એકસારી ટ્રેન મળશે. તેમજ પુનાની દુરંન્તો એકસપ્રેસ છે તેને અને હરિદ્વાર ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી જોઈએ અને બોરીવલી સ્ટોપ આપવો જેથી હરિદ્વાર જતાં દર્શનાર્થીઓને કોઈ સગવડતા ન પડે ઉપરાંત પુના દુરંન્તો રાજકોટ સુધી લંબાશે તો ઉદ્યોગકારોને પણ સરળતા રહેશે.
કોરોનાના સમયમાં સૌરાષ્ટ્ર મેલનો સમય બદલાવવામાં આવ્યો હતો. જે કોરોના પહેલા રાજકોટથી છ વાગે ઉપડતી હતી તે હવે 3.30 વાગે ઉપડે છે જે મુંબઈ વહેલી પહોંચાડી દેતા સવારે મુસાફરો હેરાન થઈ લરહ્યા છે. જેથી જો જુના સમય મુજબ સાંજે 6 વાગ્યે દોડાવે તો સવારે સમયસર પહોંચી શકે છે.
બેઠકમાં સમિતિ સભ્યો દ્વારા પોતાના-પોતાના ક્ષેત્રની રેલ સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવી પરિયોજનાઓ ઝડપથી પૂરી કરવા અને મંડળના સ્ટેશનો પર વધુ સારી યાત્રી સુવિધાઓ પ્રદાન કરવા માટે પોતાના સૂચનો આપ્યા. મંડળ રેલ પ્રબંધક અશ્વિની કુમારે તમામ સભ્યોના સૂચનો પર ઝડપથી યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપતા કહ્યું કે યાત્રી સુવિધાઓનો વિકાસ રાજકોટ ડિવીઝન ની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તથા આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ બેઠકમાં સભ્યોમાં સર્વ અમૃતલાલ વાઢેર, ભગિયા ભવનભાઈ, દિલીપસિંહ પરમાર, દીપકભાઈ રવાણી, કેતન દફ્તરી, કિરીટ કુમાર ત્રિવેદી, નાનજી ભાઈ ખિમસુરિયા, પાર્થિવકુમાર ગણાત્રા, પૂજા વઘાસિયા, પ્રદીપ મહેતા, રાજ ભાઈ ગંગાણી, યોગેશ્વર પંચાણી અને પ્રવીણ બી ત્રિવેદી ઉપસ્થિત હતા. બેઠક દરમિયાન રાજકોટ મંડળના એડીઆરએમ કૌશલ કુમાર ચૌબે અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

