દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે દિલ્હીના નવા મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરવા માટે સોમવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી, પણ સોમવારે સવારે જાહેરાત કરાઈ કે, આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. ભાજપે કરેલી જાહેરાત પ્રમાણે, હવે ધારાસભ્ય પક્ષની બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે અને નવા મુખ્ય પ્રધાનની શપથવિધિ 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે. ભાજપમાં હવે પહેલાં જેવી સ્થિતિ નથી અને ફટાફટ નિર્ણયો નથી લેવાતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ધડાધડ નિર્ણયો લઈ લેવાતા હતા અને કોઈને પૂછ્યા વિના જ બારોબાર મુખ્ય પ્રધાનનાં નામ જાહેર કરી દેવાતાં હતાં.
જેમનાં કોઈએ નામ પણ નહોતાં સાંભળ્યાં એવા મનોહરલાલ ખટ્ટર આ રીતે જ હરિયણાના મુખ્ય પ્રધાન બની ગયેલા ને ગોવામાં પ્રમોદ સાવંતને પણ આ રીતે જ લોટરી લાગી ગઈ હતી. છેલ્લાં કેટલાંક વરસોમાં સ્થિતિ બદલાઈ છે અને ભાજપ મુખ્ય પ્રધાનોનાં નામ નક્કી કરવા માટે મહિનો પણ કાઢી નાખે છે. 2023ના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની પસંદગી કરવાની હતી ત્યારે એવું જ થયેલું. આ વરસે મહારાષ્ટ્રમાં પણ એ જ સ્થિતિ સર્જાયેલી ને માંડ માંડ દેવેન્દ્ર ફડણવીસના નામ પર સર્વસંમતિ થઈ શકી હતી. દિલ્હીના મામલે પણ અત્યારે એ સ્થિતિ જ છે ને તેનો અર્થ સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભાજપ પરની પકડ ઢીલી પડી છે.
પહેલાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોઈનું પણ સાંભળ્યા વિના ગમે તેના નામ પર આંગળી મૂકી દેતા, પણ હવે એવું કરી શકાય તેમ નથી. તેનું કારણ ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું દબાણ છે કે પછી પક્ષમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અવાજ ઊઠવા માંડ્યા છે તેની તેમને જ ખબર, પણ હવે એકતરફી નિર્ણયો નથી લઈ શકાતા એ સ્પષ્ટ છે. લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળી તેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આત્મવિશ્વાસ ડગી ગયો હોય ને બંને ફૂંકી ફૂંકીને આગળ વધતાં હોય એવું પણ બને.
બાકી દિલ્હીમાં તો સ્થિતિ બિલકુલ ભાજપની તરફેણમાં જ છે. ભાજપ 70 માંથી 48 બેઠકો જીતીને 26 વર્ષ પછી સત્તામાં પરત ફર્યો છે અને બે તૃતીયાંશ કરતાં વધારે બેઠકો જીત્યો છે. ભાજપે 70 ટકા બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે. આ સંજોગોમાં ભાજપ માટે કોઈને નહીં સાચવીશું તો નારાજ થઈ જશે એ પ્રકારનો ખતરો પણ નથી. એ છતાં ભાજપ ઝડપથી નિર્ણય નથી લઈ શકતો એ આશ્ચર્યજક કહેવાય.

