Site icon Gujarat Mirror

હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત

ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો

હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા અને શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ત્રણને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત વિગત મુજબ રાજકોટમાં બાબરિયા કોલોની વિસ્તારમાં રહેતા ભાવનાબેન રતુભારથી ગોસ્વામી નામના 50 વર્ષના પ્રૌઢા માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ગુલાબ પાર્કમાં રહેતા જમાઈ અલ્પેશભાઈના ઘરે હતા ત્યારે રાત્રીના અરસામાં હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટેસિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં શાપરમાં આવેલા અંજલિપાર્કમાં રહેતા ઉમેશભાઈ વીરજીભાઈ રાવત નામના 48 વર્ષના આધેડ શાપરમાં જ આવેલા રાજુ એન્જિનિયર નામના કારખાનામાં કામ કરતા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આધેડ બે ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત ત્રીજા બનાવમાં ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા દિવાનપરામાં રહેતા તુષારભાઈ અશ્વિનભાઈ ગોરસીયા નામના 46 વર્ષના પ્રૌઢ સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી છે. તુષારભાઈને સંતાનમાં પુત્ર અને પુત્રી હોવાનું અને તુષારભાઈ ગોરસીયા રેલવે ટિકિટ બુકિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version