Site icon Gujarat Mirror

જીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત

યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં બંગાળી પરિવાર શોકમાં ગરકાવ

રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક માનવજીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં જામનગર રિલાયન્સ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં બંગાળી યુવક તાવની બિમારીમાં સપડાતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં રિલાયન્સ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતાં જીતભાઈ શંભુભાઈ અધિકારી નામનો 33 વર્ષનો યુવાન છેલ્લા પાંચ દિવસથી તાવની બિમારીમાં સપડાતાં તેને સારવાર માટે જામનગર રિલાયન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમની તબિયત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક જીત અધિકારી મુળ બંગાળનો વતની હતો. છેલ્લા એક વર્ષથી રિલાયન્સ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતો હતો. મૃતક જીત અધિકારી ત્રણ ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version