Site icon Gujarat Mirror

માલિકીનો દાવો રદ કર્યા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની અરજી ફગાવતી કોર્ટ

માલીયાસણની કીંમતી જમીન સંદર્ભે માલિકીનો દાવો નીચલી કોર્ટે રદ કર્યા સામેની અપીલમાં 2000 દિવસનો વિલંબ માફ કરવાની અરજી મૂળ વાદીની બેદરકારીના કારણોસર ફગાવી દેવામાં આવી છે.

આ કેસની હકીકત મુજબ, માલીયાસણ વિસ્તારની કીંમતી જમીન સંદર્ભે અરજદાર અશોકભાઈ દેવશીભાઈ દુધાત્રાએ સામાવાળા અશોકભાઇ ડાયાભાઇ કોટેચા અને અન્યોની સામે માલિકી અંગેનો દિવાની દાવો વર્ષ 2011માં દાખલ કર્યો હતો. જે દાવો રાજકોટની સિવિલ કોર્ટે તારીખ 26/ 08/ 2015ના રોજ નામંજુર કરેલ હતો. દરમિયાન આ હુકમ સામે અપીલ દાખલ કરવામાં અરજદારને 2000 દિવસનો (5.5 વર્ષ) જેટલો વિલંબ થયો હતો, જે માફ કરવા માટે ’લિમિટેશન એક્ટ’ની કલમ-5 હેઠળ સિવિલ પરચુરણ અરજી નં. 208/2023 દાખલ કરવામાં આવી હતી. જે અરજીના સમન્સ સામાવાળા અશોકભાઈ કોટેચાને બજતા સામાવાળા વતી ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલે આ અરજીના વાંઘા રજુ કર્યા હતા. અરજદાર પક્ષે આ અરજીના સંદર્ભમાં એવી દલીલ કરવામાં આવી કે, અરજદાર અભણ ખેડૂત છે અને તેમણે તેમના વકીલ પર વિશ્વાસ રાખ્યો હતો, પરંતુ તેમના વકીલ દ્વારા કેસના પરિણામની જાણ કરવામાં આવેલ ન હતી.

સામાવાળાઓ પક્ષે ધારાશાસ્ત્રી અર્જુનભાઈ પટેલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર અન્ય કોર્ટ કાર્યવાહીઓ (જેમ કે તેમની બહેનો દ્વારા કરાયેલ પાર્ટિશન સ્યૂટ)માં પક્ષકાર હોવાથી તેઓ કેસની સ્થિતિથી સારી રીતે વાકેફ હતા. તેમજ 2000 દિવસ જેવા લાંબા સમય સુધી અરજદારે પોતે પણ કેસની તપાસ કરવા માટે કોઈ તત્પરતા દાખવી ન હતી. આમ, સેશન્સ અદાલતે બંને પક્ષોની દલીલો અને વખતો વખતના ગુજરાત હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લેતા એવું ઠરાવ્યું કે માત્ર વકીલ પર દોષારોપણ કરવાથી અસાધારણ વિલંબ માફ કરી શકાય નહીં. અરજદારે પોતે પણ પોતાના કેસ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ તેમજ વર્ષ 2013માં અરજદાર દ્વારા જુબાની આપ્યા બાદ અરજદાર સીધા 2023માં કોર્ટમાં આવ્યા છે, જે દર્શાવે છે કે અરજદાર પોતાના હક પ્રત્યે સજાગ ન હતા. આમ, અરજદાર વિલંબ માટે કોઈ યોગ્ય કારણ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે અને પરિણામે અરજદારની 2000 દિવસના વિલંબને માફ કરવાની અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં સામાવાળા તરફે રાજકોટના વિદ્વાન ઘારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા, આકાંક્ષા એચ. રાજદેવ તથા જાનવી જે. વિરાણી રોકાયા હતા.

Exit mobile version