Site icon Gujarat Mirror

8 વર્ષની ભત્રીજીનું ફઇએ કરેલ અપહરણ પ્રકરણમાં એડવોકેટની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને ભત્રીજીનું અપહરણ કર્યાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપી એડવોકેટની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે
આ કેસની હકીકત મુજબ અલ્કાપુરીમાં રહેતા રિયાઝભાઇ ફિરોઝભાઇ માખાણીની આઠ વર્ષની પુત્રી અનાયા અને તેમની બહેન રીમાબેન કારમાં આંટો મારવા નીકળ્યા બાદ લાપતા થઈ ગયા હતા.

ફઈ-ભત્રીજી અંગે કોઇ માહિતી નહીં મળતાં માખાણી પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે અનાયા અને રીમાબેન બન્ને ઇન્દોર તરફ હોવાની માહિતીને આધારે ઇન્દોરના બેતમાં પોલીસની મદદથી બન્નેને શોધી કાઢ્યા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મિલ્કતના હક્ક, હિત અને હિસ્સા બાબતે રીમાબેનને અસંતોષ હોવાથી રેલનગર વિસ્તારમાં રહેતા મિત્ર એડવોકેટ રાજવીરસિંહ ઝાલા સાથે મળી સગી માસૂમ ભત્રીજીના અપહરણનો પ્લાન બનાવી અપહરણ કર્યું હોવાનું ખુલતા પોલીસે રિમાબેન અને એડવોકેટ રાજવીરસિંહ ઝાલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં એડવોકેટ રાજવિરસિંહ પી. ઝાલાએ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સરકારી વકીલની રજૂઆતો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી એડવીકેટ રાજવીરસિંહ ઝાલાની જામીન અરજી રદ્દ કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર એસ. જોષી રોકાયા હતા.

Exit mobile version