Site icon Gujarat Mirror

પોક્સો એક્ટના ગુનામાં આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ મુક્ત કરતી અદાલત

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સગીરા સાથે અગાઉના પરિચયને કારણે મોબાઈલ ફોનથી વાત કરી પ્રેમજાળમાં ફસાવી બદકામ અને લગ્નના ઇરાદે અપહરણ કરી જવાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે ભરૂચના આઈસ ડિશ ધંધાર્થીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં જામનગર રોડ વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા અગાઉ નઈમ પટેલ નામના શખસના પરિચયમાં આવી હતી, ત્યાર બાદ નઈમ મોટા પાદરા ભરૂૂચ ખાતે મિલન આઈસ ડિશના નામે ગોલાનો ધંધો કરતો હતો. દરમિયાન નઇમ પટેલે સગીરા સાથે મોબાઈલ ફોનથી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમાં ગઈ તા.19/ 10/ 2022ના રોજ ફરિયાદી પિતા અને તેના પત્ની કામકાજ સબબ બહાર ગયા બાદ પરત આવતા તેમની દીકરી ઘરે ન હતી. આથી પિતાએ સગા સંબંધીઓ મારફત તપાસ કરીને નઈમ અનીશભાઈ પટેલ ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કે બદનામ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોવાની વિગતવાર ફરીયાદ આપવામાં આવી હતી.

જે સબબ આરોપી નઈમ અનીશભાઈ પટેલની અટક કરી રાજકોટની કોર્ટમાં રજુ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ દાખલ કરાયેલો કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા જરૂરી કાયદાકીય પ્રકિયાના ભાગ રૂપે હાલના કામે જરૂરી મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને આ કામે બચાવ પક્ષે આરોપી તરફેની જરૂરી રજુઆતો કરવામાં આવેલ હતી. તેમજ ફરીયાદ પક્ષનો મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવો જોતા ફરીયાદી તથા સાહેદો ફરીયાદપક્ષના કેસને સમર્થન કરતા ન હોય તેમજ એવી કોઈ ચોક્કસ હકીકત સામે આવેલ ન હોય અને આરોપીઓ સામેની આક્ષેપીત હકીકત પુરવાર થતી ન હોવાની હકીકતો તેમજ દલીલો ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી વતી એડવોકેટ સાહિસ્તાબેન એસ.ખોખર, રણજીતભાઈ એમ.પટગીર, નિમેશ વિ. જાદવ, દયા કે. છાયાણી, આસિસ્ટનટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયા હતા.

Exit mobile version