શાપર વેરાવળમા આવેલા બુધ્ધનગરમા રહેતુ દંપતી ગણેશનગરમા મોટા ભાઇના ઘરે હતુ ત્યારે રેશનકાર્ડ અલગ કરવા મુદે થયેલા પારિવારીક ઝઘડાથી કંટાળી દંપતીએ સજોડે ફીનાઇલ પી લીધુ હતુ. દંપતીની ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યુ હતુ.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા આવેલા બુધ્ધનગરમા રહેતા વિપુલ ચનાભાઇ પરમાર (ઉ.વ. 3ર) અને તેની પત્ની કાજલબેન વિપુલભાઇ પરમાર (ઉ.વ. 3ર) સાંજના પાંચેક વાગ્યાના અરસામા ગણેશનગરમા રહેતા વિપુલ પરમારના મોટા ભાઇ મનસુખભાઇ પરમારના ઘરે હતા ત્યારે સજોડે ફીનાઇલ પી લીધુ હતુ. દંપતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ હતુ. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમા વિપુલભાઇ પરમાર અને તેના ભાઇ મનસુખભાઇ પરમાર વચ્ચે રેસનકાર્ડમાથી નામ અલગ કરવા મુદે તકરાર ચાલી રહી છે. જે તકરાર મુદે વિપુલભાઇ પરમારે મોટા ભાઇ મનસુખભાઇ પરમાર વિરૂધ્ધ અગાઉ શાપર પોલીસમા અરજી કરી હતી અને ગઇકાલે બંને ભાઇ વચ્ચે બોલાચાલી થતા ભાભી શાંતિબેને પાઇપ વડે માર મારતા દંપતીએ સજોડે ફીનાઇલ પી લીધુ હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
—

