Site icon Gujarat Mirror

IPLમાં મેચની સંખ્યા 74થી વધીને 94 કરવા વિચારણા શરૂ

 

ઈન્ડિયન પ્રીમિયર લીગનો રોમાંચ દર વર્ષે વધતો જાય છે. વર્ષ 2022માં આઈપીએલનો વિસ્તાર કરીને ટીમોની સંખ્યા 8 થી વધારીને 10 કરવામાં આવી હતી, જેની સાથે મેચોની સંખ્યામાં પણ વધારો થયો હતો.

હવે ફરી એકવાર આઈપીએલના વિસ્તારની યોજના ચાલી રહી છે, જેના અંગે મહત્ત્વની માહિતી સામે આવી છે. આગામી વર્ષોમાં આ ટૂર્નામેન્ટ વધુ લાંબી અવધિની અને રોમાંચક બનવાની શક્યતા છે.આઈપીએલ 2025માં હાલ 74 મેચો રમાય છે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ થાય છે. પરંતુ ભવિષ્યમાં આ સંખ્યામાં વધારો થશે. મેચોની સંખ્યા વધવાથી ટૂર્નામેન્ટનો સમયગાળો પણ લંબાશે, કારણ કે વધુ મેચોનું આયોજન કરવા વધારે સમયની જરૂૂર પડશે. આ દિશામાં હાલ ચર્ચા ચાલી રહી છે.આ વખતે ટીમોની સંખ્યા 10 જ રહેશે, પરંતુ મેચોની સંખ્યામાં 20નો વધારો થશે. જો કે, આ ફેરફાર તાત્કાલિક નહીં થાય. 2028 સુધીમાં મેચોની સંખ્યા 74થી વધીને 94 થઈ શકે છે. આનાથી ટૂર્નામેન્ટ લગભગ અઢી મહિના સુધી ચાલવાની શક્યતા છે.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે આ અંગે જણાવ્યું કે, બીસીસીઆઈ અને આઈસીસી બંને સ્તરે આ યોજના પર ચર્ચા ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, દરેક ટીમને ઘરઆંગણે અને વિદેશમાં સમાન મેચો રમવાની તક મળે તે માટે 94 મેચોનું આયોજન યોગ્ય રહેશે. જો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રતિબદ્ધતાઓને કારણે હાલમાં આટલી મોટી સંખ્યામાં મેચો માટે સમય ફાળવવો મુશ્કેલ છે. ધૂમલે સ્પષ્ટ કર્યું કે, નજીકના ભવિષ્યમાં આઈપીએલમાં 74 મેચો જ રમાશે અને આગળ જતાં આ અંગે નિર્ણય લેવાશે. ટીમોની સંખ્યા અંગે તેમણે કહ્યું કે, હાલ 10 ટીમો યોગ્ય છે અને ટૂર્નામેન્ટની ગુણવત્તા અને ચાહકોનો રસ જળવાઈ રહે તે સૌથી મહત્ત્વનું છે.

 

Exit mobile version