Site icon Gujarat Mirror

SIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ SIR માં નિયમોના ભંગ બદલ સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલકુમાર ઊધનાવાલાએ હાઇકોર્ટે એક રિટ પિટિશન કરી છે. ભાજપ કાર્યકરો દ્વારા મોટા પાયે ફોર્મ-7 ભરી મતદારોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ આ રિટમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી ઓફિસરો પણ નિયમ બહાર કાર્યવાહી કરતાં હોવાની દલીલ રિટમાં કરવામાં આવી છે. આ રિટમાં ગુજરાતના ચીફ ઇલેક્શન કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.રિટમાં અરજદારે એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ SIR મુદ્દે 24મી જાન્યુઆરીએ ચીફ ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. SIR ની પ્રક્રિયામાં વૈધાનિક નિયમોનું પાલન થઇ રહ્યું નથી.

મતદાર યાદી સંદર્ભે ઓબ્જેક્શન(વાંધા) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30મી જાન્યુઆરી હતી. ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટા પાયે ફોર્મ-7 ભર્યા છે. એટલું જ નહીં, સંબંધિત મતદારોને સાંભળ્યા કે પુરાવા રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી નામો દૂર કરી શકાય નહીં. ચૂંટણી અધિકારીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.ગુજરાતમાં મતદારોના હક જોખમાય એવી પરિસ્થિતિ ઊભી થઇ છે. એક પક્ષના કાર્યકરો દ્વારા પણ નિયમોનો ભંગ થઇ રહ્યો છે. વળી, નિયત સમય બાદ પણ ઓબ્જેક્શન ફોર્મ ભરાઈ રહ્યા છે. જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની અરજી આપવામાં આવી હતી. હાઇકોર્ટમાં આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે.

Exit mobile version