નારેબાજી અને રામધૂન બોલાવી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મ્યુ.કમિશનરને આવેદન પાઠવ્યું
શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નારેબાજી અને રામધૂન બોલાવી અને ખાસ કરીને મેયરના પતિ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ જો એક સપ્તાહમાં તોડી પાડવામાં નહીં આવે તો કોંગ્રેસ જાતે બાંધકામ તોડી પાડશે તેવા અલ્ટીમેટમ સાથે અનેક મુદ્દે મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી.
કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવેલ કે રાજકોટમાં જુદી જુદી જગ્યાએ ગરીબોના મકાનો તોડી પાડવામાં તંત્ર શૂરવીરતા બતાવે છે, પરંતુ ખુદ મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી? શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? ભાજપના નેતાઓના દબાણો સામે તંત્રના ’બુલડોઝર’ કેમ થોભી જાય છે?
27 નિર્દોષ બાળકો અને નાગરિકોને જીવતા ભૂંજી નાખનાર TRP ગેમઝોન કાંડ એ ’એક્સિડન્ટ’ નહીં પણ ’વહીવટી હત્યા’ છે. પૂર્વ ઝઙઘ મનસુખ સાગઠિયા પાસેથી કરોડોનું સોનું અને અપ્રમાણસર મિલકતો મળી આવી તે સાબિત કરે છે કે છખઈના અધિકારીઓ ભાજપના નેતાઓના આશીર્વાદથી ભ્રષ્ટાચારના રાક્ષસો બની ગયા છે. આ કેસમાં હજુ પણ મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે અમે ચલાવીશું નહીં.
150 ફૂટ રિંગ રોડ પર ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે જે રીતે નિર્દોષ લોકોને કચડી નાખ્યા, તે સાબિત કરે છે કે ખાનગી એજન્સીઓના ડ્રાઈવરો પર કોર્પોરેશનનું કોઈ નિયંત્રણ નથી. બ્રેક ફેલના બહાના હેઠળ ગુનેગારોને બચાવવાની તજવીજ બંધ કરી, જવાબદાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી તેમના પર હત્યાનો ગુનો દાખલ કરવામાં કોર્પોરેશનને ક્યાં લાજ કાઢવી પડે છે તે સમજની બહાર છે.
તાજેતરના અહેવાલો મુજબ, શહેરમાં લેવાયેલા પાણીના 91 નમૂનામાંથી 55 નમૂના ફેલ થયા છે. સ્માર્ટ સિટીની વાતો કરતા શાસકો જનતાને શુદ્ધ પાણી પણ આપી શકતા નથી. ડ્રેનેજની હજારોથી વધુ ફરિયાદો પડતર છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાને કારણે શહેર હોસ્પિટલ બની ગયું છે. શહેરના વોકળાઓ અને નદીઓમાં ગાંડી વેલના નિકાલમાં કરોડોના ખર્ચા છતાં પરિણામ શૂન્ય છે. આ વેલ મચ્છરોનું સંવર્ધન કેન્દ્ર બની ગઈ છે, જેના પરિણામે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં તોતિંગ વધારો થયો છે. તંત્ર માત્ર ફોગિંગના કાગળ પરના આંકડા બતાવી જનતાને છેતરી રહ્યું છે. નવા મકાનના પ્લાન પાસ કરવામાં કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં સામાન્ય નાગરિકને પાયમાલ કરવામાં આવે છે, જ્યારે ભાજપના કોર્પોરેટરો અને તેમના મળતિયાઓ કોઈપણ જાતના પ્લાન પાસ વગર બેફામ બાંધકામો કરી રહ્યા છે.
આ ડબલ સ્ટાન્ડર્ડ નીતિ હવે સહન કરવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક સમયથી આર.એમ.સી.ના અનેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. જ્યારે નાના કર્મચારીથી માંડીને ક્લાસ-1 ના અધિકારીઓ ?ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય, ત્યારે તે તંત્રની ઘોર નિષ્ફળતા છે. શું કમિશનર કચેરી આ ભ્રષ્ટાચારને રોકવામાં સદંતર નિષ્ફળ ગઈ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવે છે? ખુદ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમના જ કોર્પોરેટરોને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવા પડ્યા છે અથવા કડક ચેતવણી આપવાની ફરજ પડી છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર પાછળ શહેર ભાજપના નેતાઓ સીધી રીતે જવાબદાર છે. જ્યારે શાસક પક્ષ જ સ્વીકારતો હોય કે તેમના હોદ્દેદારો ભ્રષ્ટ છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ કયા આધારે તેમની ’મીઠી નજર’ હેઠળ આ ગેરરીતિઓ ચલાવી રહ્યા છે? રાજકોટ શહેર કોંગ્રેસ માંગણી કરે છે કે, મેયરના ગેરકાયદે બાંધકામ પર તત્કાલ ડિમોલિશન કરવામાં આવે અને પાણી-આરોગ્યના પ્રશ્નો ઉકેલવામાં આવે.
જો આગામી દિવસોમાં જનતાને ન્યાય નહીં મળે, તો કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે અને આંદોલન વધુ આક્રમક બનાવવામાં આવશે.આ કાર્યક્રમ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા ની આગેવાની માં ડો.હેમાંગ વસાવડા,જસવંતસિંહ ભટ્ટી,દિનેશભાઈ મકવાણા, વશરામભાઇ સાગઠીયા,અતુલ ભાઈ રાજાણી,મકબૂલ ભાઈ ઉદાણી,ગોપાલ અનડકડ,સંજય અજુડીયા, નરેન્દ્ર સોલંકી, નીતિન ભંડેરી, રવિ જીતીયા, મુકુંદ ટાંક આદિત્યસિંહ ગોહિલ, દિપ્તી બેન સોલંકી, કોમલબેન ભારાઈ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

