તમામ ઉમેદવારો ભભકા વગર સાદાઇથી પોતાનું નામાંકન ભરવા જશે
મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં મોરબી શહેર કોંગ્રેસ દ્વારા મોરબીના વિકાસ માટેનું પોતાનું વિઝન એટલે કે “કોંગ્રેસનું કમિટમેન્ટ” જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ, તાજેતરમાં અવસાન પામેલા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્વ. કિશોરભાઈ ચીખલિયાને અનોખી અને ભાવનાત્મક રીતે શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે.
આ અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ભાવુક થતાં જણાવ્યું હતું કે, મોરબી કોંગ્રેસના મોભી અને પિતાતુલ્ય સ્વ. કિશોરભાઈ ચીખલિયાએ છેલ્લા વર્ષોમાં તળિયેથી લઈને પક્ષને મજબૂત ક2વા ખુબ જહેમત ઉઠાવી હતી. તેમની અણધારી વિદાયથી પક્ષને મોટી ખોટ પડી છે. ત્યારે આ ચૂંટણીમાં મોરબી શહેર કોંગ્રેસનો દરેક કાર્યકર અને આગેવાન “હું છું કિશોર ચીખલિયા” બનીને ચૂંટણીની કામગીરી ક2શે અને તેમના અધૂરા સપના પૂરા કરવા મેદાને ઉતરશે.
સ્વ. કિશોરભાઈ પ્રત્યે આદર અને શોક વ્યક્ત કરતા મોરબી શહેર કોંગ્રેસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરવા જશે ત્યારે ડીજે, ઢોલ-નગારા, ત્રાંસા કે અન્ય કોઈપણ વાજિંત્રો વગાડવામાં આવશે નહીં. પક્ષના તમામ ઉમેદવારો કોઈ પણ પ્રકારના ભભકા વિના એકદમ સાદાઈથી જઈને પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે.
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોને બદલે “કમિટમેન્ટ” નામ આપીને મોરબીની જનતા સમક્ષ કેટલાક મહત્વના સંકલ્પો રજૂ કર્યા હતા. જેમાં મોરબી શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા વ્યાપક સર્વે કરાશે. શહેરના તમામ મુખ્ય માર્ગો પહોળા કરાશે અને જંક્શનો પર આધુનિક સિગ્નલ સિસ્ટમ લગાવાશે. નવલખી રોડ અને મહેન્દ્રનગર રોડ પર ટ્રાફિક જામ ઉકેલવા ઓવરબ્રિજ અથવા અન્ડરપાસનું નિર્માણ કરવામાં આવશે.
મલ્ટીલેવલ પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરાશે. દરેક ઘરમાં પીવાના શુદ્ધ પાણી માટે બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટનું નવીનીકરણ કરી ચાલુ કરાશે. પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવી પાઇપલાઇન નાખવામાં આવશે અને ટાઈમટેબલ મુજબ પાણી વિતરણ થાય તેવું મેનેજમેન્ટ કરાશે. નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે નવી અને મોટી સ્ટોર્મ વોટર લાઈન પથરાશે. ગંદા પાણીના નિકાલ માટે નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂૂ કરાશે અને તમામ ડ્રેનેજ લાઈનનું આધુનિકીકરણ કરાશે.
મહિલાઓ માટે વિશેષ “વિકલી મહિલા બજાર” ફાળવાશે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા વિના મૂલ્યે બ્યુટી પાર્લર, સીવણકળા અને કમ્પ્યુટર ટ્રેનિંગ અપાશે. બજારોમાં સ્વચ્છ ’પિંક ટોઇલેટ’ બનશે અને સુરક્ષા માટે પોલીસ સાથે સંકલન કરી ’સેફ સિટી’ પ્રોજેક્ટ અમલમાં મુકાશે. વોર્ડ દીઠ મહાનગરપાલિકા સંચાલિત “સ્માર્ટ ક્લિનિક” શરૂૂ કરાશે, જ્યાં એક્સ-રે, બ્લડ ટેસ્ટ અને સીટી સ્કેન જેવી સુવિધાઓ વિના મૂલ્યે અપાશે. પ્રાથમિક શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરાશે અને દર મહિને વોર્ડમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. “ઝીરો વેસ્ટ સિટી” ના લક્ષ્ય સાથે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સક્ષમ બનાવાશે. મોરબીની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદીનું આધુનિક મશીનોથી શુદ્ધિકરણ કરી તેના કિનારે રિવરફ્રન્ટ બનાવાશે. શહેરના ગ્રીન કવરમાં વાર્ષિક 10% નો વધારો કરાશે.
શહેરમાં 100% એલઇડી સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરાશે. શ્રમિકો માટે “શ્રમિક રત હેલ્પલાઈન” અને નવી અઈ સિટી બસ શરૂૂ કરાશે, જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનો માટે ફ્રી મુસાફરી રહેશે. લાઠી પ્લોટ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હાઇ-ટેક લાઈબ્રેરી બનશે. વોર્ડ દીઠ રમતગમતના નવા ગ્રાઉન્ડ (ઓપન જીમ, સ્વિમિંગપુલ) બનાવાશે. પાલિકાની જનરલ બોર્ડ બેઠકનું લાઈવ સ્ટ્રીમ તમામ મીડિયામાં અપાશે. મહાનગરપાલિકાની તમામ સેવાઓ જેવી કે જન્મ-મરણના દાખલા, વિવિધ બિલો, અને ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન કરી પારદર્શિતા લવાશે. શહેરના મહત્વના સ્થળોએ ફ્રી વાઈ-ફાઈ ઝોન ઉભા કરાશે. આમ, મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જમીની સ્તરના મુદ્દાઓ અને સ્વ. કિશોરભાઈ ચીખલિયાના નામે ભાવનાત્મક જોડાણ સાધીને પોતાના ચૂંટણી પ્રચારના મંડાણ કર્યા છે.

