Site icon Gujarat Mirror

જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત

ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કરૂૂણ ઘટનામાં એક ખેડૂત પિતાએ પોતાનો એકનો એક લાડકો દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-પોરબંદર રૂૂટ પર ચાલતી ટ્રેન નંબર 19208 જ્યારે ઉપલેટા નજીક મોજ નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સગીર વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

પોલીસ તપાસ અને મૃતક પાસેથી મળી આવેલા આઈડી પ્રૂફના આધારે મૃતકની ઓળખ માર્શલ કિશોરભાઈ ચાડસાણીયા (ઉ.વ. 16) તરીકે થઈ છે. માર્શલ મૂળ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના કે.જે. પટેલ હાઈસ્કૂલ વિસ્તારનો વતની હતો અને હાલ તેનો પરિવાર મોટી પાનેલી ગામની નવી ગ્રામ પંચાયત પાસે આવેલા ‘દર્શન એપાર્ટમેન્ટ’ના ત્રીજા માળે રહેતો હતો. તે જૂનાગઢના બામણગામના ભેસાણ રોડ પર આવેલી નોબલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. પિતા કિશોરભાઈ વ્યવસાયે ખેતી કરે છે અને માર્શલ તેમનો એકનો એક પુત્ર હોવાથી તેના મોતના સમાચાર મળતા જ સમગ્ર મોટી પાનેલી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

આ દુ:ખદ ઘટનામાં રેલવે તંત્ર અને પોલીસની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. ઘટનાની જાણ રેલવે વિભાગ અને રેલવે પોલીસ (ૠછઙ) ને કરવામાં આવી હતી, પરંતુ કલાકો વીતવા છતાં કોઈ પોલીસ અધિકારી ઘટનાસ્થળે કે રેલવે સ્ટેશન પર ફરક્યા ન હતા. વહાલસોયા દીકરાના મૃતદેહ સાથે પરિવારજનો પોલીસના આ વિલંબને જોઈને મૃતકના પરિવારજનો અને પાનેલી ગામના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
આખરે ધીરજ ખૂટતા આગેવાનો અને પરિવારે સીધો જ સંપર્ક સ્થાનિક ધારાસભ્ય, વિસ્તારના સાંસદ સભ્ય અને રાજ્યના મંત્રી સુધી કર્યો હતો અને પોલીસની નિષ્ક્રિયતા અંગે ઉગ્ર રજૂઆત કરી ફરિયાદ પહોંચાડી હતી. ઉપરથી રાજકીય દબાણ આવતા અને મંત્રી કક્ષાએથી સૂચના મળતા જ નિદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું હતું. ઘટનાના ત્રણ કલાક બાદ જી.આર.પી. (ૠછઙ) પોલીસનો કાફલો ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સગીર વિદ્યાર્થી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ફોનની બાબતે પરિવારમાં કોઈ ટકોર થતા અથવા કોઈ વાત લાગી આવતા માર્શલે આવેશમાં આવીને આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.

Exit mobile version