નોલેજ કોન્ફર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) મારફત જીકાસનું સંચાલન થઈ રહ્યું છે અને તેમના તરફથી મળેલી સૂચનાના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેમ્પસ પર આવેલ જુદા જુદા ભવનો અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં પરિપત્ર પાઠવીને જણાવી દીધું છે કે જો નવા શૈક્ષણિક સત્રમાં જીકાસની સૂચનાનું પાલન નહીં થાય તો રૂૂપિયા 500 થી 5,000 સુધીની પેનલ્ટી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ જો કોલેજો કે ભવનો કેટલી સંખ્યામાં પ્રવેશ અપાયા તેની માહિતી અને કોલેજ તથા ભવનમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની તથા નોન ટીચિંગ સ્ટાફ ની માહિતી સમયસર યુનિવર્સિટીને પૂરી નહીં પાડે તો તારીખ 18 ફેબ્રુઆરીના પરિપત્ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફી રિફંડના મામલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મારફત ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, આ પોલીસીનો અમલ નહીં કરનાર કોલેજ અને ભવનોને યુ. 5,000 ની પેનલ્ટી કરવામાં આવશે.
સમયસર ડેટા આપવામાં ન આવે તો કોલેજ કે ભવનના લેટરપેડ પર તેના ખુલાસા કરવા પડશે અને રૂૂપિયા 500 ની પેનલ્ટી ભરવી પડશે. ક્ષતિ સુધારા માટે પણ કોલેજના લેટરપેડ પર સ્પષ્ટતા કરવાની રહેશે. પ્રવેશ માટે જીકાસ દ્વારા જે શેડ્યુલ જાહેર કરવામાં આવે તેને ચુસ્તતાથી વળગી રહેવાનું રહેશે અને આમ નહીં થાય તો રૂૂપિયા 1000 ની પેનલ્ટી કરવામાં આવશે. વિદ્યાર્થીના ફોર્મ ભરવામાં ક્ષતિ થશે અથવા તો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું જણાશે તો પણ રૂૂપિયા 1000ની પેનલ્ટી કરવામાં આવશે. એક વખત વિદ્યાર્થીને પ્રવેશ ઓફર કર્યા પછી જો એડમિશન આપવામાં નહીં આવે તો પણ રૂૂપિયા 1000 ની પેનલ્ટી ભરવી પડશે. કોઈ કિસ્સામાં વિદ્યાર્થીના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ શકાશે નહીં અને જો કોઈ કોલેજ કે ભવન આવું કરશે તો તેને રૂૂપિયા 1000 ની પેનલ્ટી ફટકારવામાં આવશે.