Site icon Gujarat Mirror

જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે બઘડાટી

મહાજન વેપારી ત્રણ ભાઈઓ પર હુમલો કરવા અંગે પાડોશી મહાજન પિતા -પુત્ર સહિત ચાર સામે ફરિયાદ

જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં મકાનના બાંધકામના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને મહાજન વેપારી ત્રણ ભાઈઓ ઉપર પાડોશમાજ રહેતા મહાજન પિતા પુત્ર અને તેના બે કર્મચારી સહીત ચાર શખ્સોએ હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા મહાજન વેપારી ચિરાગભાઈ અશોકભાઈ દોઢિયા એ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈઓ આશિષ અને દીપ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા નિલેશ વૃજલાલ શાહ, વિરલ નિલેશભાઈ શાહ ઉપરાંત જીતેન્દ્ર મોહનભાઈ ભટ્ટી અને આરીફ કાસમભાઈ દરજાદા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ચિરાગભાઈ અને તેમના પરિવાર દ્વારા મકાનનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેના પાડોશમાં જ રહેતા મહાજન પિતા- પુત્રને વાંધો ચાલતો હોવાથી તેઓએ પોતાના બે માણસોની મદદ લઈને ત્રણેય ભાઈઓ પર હુમલો કરી દીધો હતો, તેમ જ ફરિયાદી ચિરાગભાઈ ના હાથમાં બટકું ભરી ઇજા પહોંચાડી હતી.

ઉપરાંત પાડોશી વિરલભાઈએ મારામારી ના બનાવ નો પોતાના મોબાઈલ ફોન માં વિડીયો પણ બનાવી લીધો હતો. જે સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના એ એસ આઈ એન. કે. ઝાલાએ હુમલા અંગેની ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે, અને આરોપીઓની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version