Site icon Gujarat Mirror

ડિક્રીની અમલવારી શક્ય ન હોવાથી માંડવાળ કરવા સિવિલ કોર્ટનો હુકમ

 

રાજકોટની કીંમતી જમીન વર્ષોથી ચાલતો વિવાદ 1971માં ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ થયેલા સમાધાનની ડિક્રીની અમલવારી માટેની અરજીમાં સિવિલ કોર્ટ જ્યારે ડિક્રીની અમલવારી શક્ય ન હોય માંડવાળ કરવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટના સર્વે નં. 456 પૈકીની 2 એકર 36 ગુઠા જમીન કિરીટકુમાર જયંતીલાલ કુંડલીયા વિગેરેની જમીન સંદર્ભે પ્રતાપભાઈ હરિશંકર રાજ્યગુરુ વિગેરે દ્વારા સ્પે.સિવિલ સ્યુટ નં.659/1965 દાખલ કરવામાં આવી હતી, જે દાવો નામંજૂર થતા તેના પર સિવિલ અપીલ 6/1968 દાખલ કરવામાં આવી હતી, જે અપીલ પણ નામંજૂર કરવામાં આવતા ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સેક્ધડ અપીલ 618/71 દાખલ કરવામાં આવેલી, જે સેક્ધડ અપીલમાં પક્ષકારો વચ્ચે સમાધાન થતા સદરહુ મિલકતમાં પ્રતાપભાઈ હરિશંકર રાજ્યગુરુ વિગેરેનો કોઈ હક નથી. પરંતુ મેટર ઓફ ગ્રેસથી મૂળ દાવાવાળી જમીન રે.સ. નં.456 પૈકીની 2 એકર 36 ગુઠા જમીન બિનખેતી કર્યેથી સદરહું જમીનમાં 600 વારનો પ્લોટ પ્રતાપભાઈ હરિશંકર રાજ્યગુરુને આપવો આવી પક્ષકારો વચ્ચે નક્કી થયેલ.
આ ડિક્રીની અમલવારી માટે તાજેતરમાં સિવિલ કોર્ટમાં અરજી થઇ હતી, તેમાં મૂળ ખાતેદાર ખેડૂતે સદરહું જમીન ખેતીની જ વેચાણ કરી નાખેલ.

આમ, જ્યારે મૂળ જમીન ખેતીમાંથી બિનખેતીમાં ટ્રાન્સફર જ થયેલ ન હોય અને મેટર ઓફ ગ્રેસથી 600 વારનો પ્લોટ આપવાનું નક્કી થયેલ હોય તેવા સંજોગોમાં મેટર ઓફ રાઈટની હાલની દરખાસ્ત લાવવા ડીક્રી હોલ્ડરને કોઈ હક, અધિકાર કે સત્તા નથી તેવી તકરાર કિરીટભાઈ જયંતીલાલ કુંડલીયાના વકીલ દ્વારા ઉઠાવવામાં આવી હતી. અને દરખાસ્ત સમય મર્યાદા બહાર હોય કાયદાની દ્રષ્ટિએ કે હકીકતની દ્રષ્ટિએ સ્થળ પર જ જગ્યા અસ્તિત્વ ધરાવતી ન હોય તેવા સંજોગોમાં ડિક્રી હોલ્ડર કોઈ દાદ મેળવવા હકદાર નથી, તેમ જણાવ્યું હતું. જે ધ્યાને લઈ રાજકોટના અધિક સિનિયર સિવિલ જજ એ.આર. સોની દ્વારા જ્યારે દરખાસ્તની અમલવારી જ શક્ય ન હોય તેવા સંજોગોમાં દરખાસ્તદારની ડીક્રીની અમલવારી બિનઅમલી હોય તેમ માની દરખાસ્ત માંડવાળ કરવાનો હુકમ કરેલ છે.આ કેસમાં જમીનના મૂળ માલિક વતી સિનિયર એડવોકેટ પરેશ મારુ, દિલીપ ચાવડા અને હાર્દિક જાદવ રોકાયા હતા.

Exit mobile version