પાંચ દિવસ બ્લોક ગણતરી અને 20 એપ્રિલથી ડોર ટુ ડોર યાદી તૈયાર કરાશે
શહેરમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થનાર જણગણનાનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. શહેરની વસ્તી ગણતરી મુજબ મકાનોના બ્લોક તૈયાર કરી ડોર ટુ ડોર વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આજથી પાંચ દિવસ સુધી બ્લોક બનાવવાની કામગીરી કરાશે ત્યારબાદ તા.20 થી ઘર ઘરની યાદી તૈયાર કરવામાં આવશે. મહાનગરપાલિકા સહિતનો 47 કર્મચારીઓનો સ્ટાફ આ કામગીરી માટે રોકવામાં આવ્યો છે. પરંતુ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની હોય ચૂંટણી કાર્યમાં મહાનગરપાલિકાના સ્ટાફની ખેંચ વર્તાઈ તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે જનગણના-2027ની રાજકોટ શહેર માટેની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને આપી છે. આ હેતુસર સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારે કમિશનરને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર, નાયબ કમિશનર એચ.આર. પટેલને સિટી સેન્સસ ઓફિસર અને પ્રણય પંચાલને સેન્સસ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. શહેરના 1થી 18 વોર્ડ ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તારના બેડી, રોણકી અને મનહરપુર-2ના વિસ્તારોમાં પણ ગણતરી મનપા હાથ ધરશે.
વર્ષ 2011ના સીમાંકન મુજબ શહેરમાં અંદાજિત 3,535 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે.નનજનગણનાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. 150થી 200 મકાન દીઠ એક બ્લોક બનાવવાની કામગીરી 1થી 5 એપ્રિલ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ તા.20 એપ્રિલથી 19 મે સુધી હાઉસ લિસ્ટિંગની કામગીરી ચાલશે, જેમાં ગણતરીદાર અને સુપરવાઈઝર સહિત 4,700 જેટલા સ્ટાફને લગાવવામાં આવશે.
ગણતરી સંપૂર્ણપણે ડિઝિટલી
મહાનગરપાલિકા દ્વારા અગાઉની વસતી ગણતરીઓ કાગળના પત્રક પર બોલપેનથી વિગતો લખીને કરવામાં આવતી હતી. જોકે, જનગણના-2027ની કામગીરી સૂપર્ણપણે ડિજિટલી હાથ ધરવામાં આવશે જેમાં ભારત સરકાર દ્વારા નિયત કરાયેલા પ્રશ્નોની માહિતી પૂરી પાડવા રાજકોટ શહેરની જનતાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

