Site icon Gujarat Mirror

પેલેડિયમ મોલમાં ક્રિસમસની સજાવટમાં તોડફોડ

ભગવાસેનાના કાર્યકરોએ હલ્લાબોલ કરતા અફરાતફરી, થર્ટી-ફર્સ્ટ પહેલા પોલીસની ચિંતા વધી

ગુજરાતભરમાં ક્રિસમસની ઉજવણીને લઇને રોશની અને સજાવટનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં એક જાણીતા મોલમાં કરવામાં આવેલી ક્રિસમસની સજાવટમાં ભગવા સેનાના કાર્યકરોએ તોડફોડ કરતા ભારે ચર્ચા જાગી છે અને આગામી થર્ટી-ફર્સ્ટની પાર્ટીઓ કે ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસતંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે.

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા જાણીતા પેલેડિયમ મોલમાં ક્રિસમસની સજાવટને લઈ મોટો વિવાદ સર્જાયો હતો. ભગવા સેનાના 4 થી 5 કાર્યકર્તાઓ અચાનક મોલમાં ધસી આવ્યા હતા અને ક્રિસમસની ઉજવણીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યકરોએ મોલના પરિસરમાં મુકવામાં આવેલા વિશાળ ક્રિસમસ ટ્રીને હટાવી દીધા હતા અને અન્ય ક્રિસમસ સંબંધિત સજાવટના સાધનોમાં પણ તોડફોડ કરી હતી. અચાનક થયેલા આ હોબાળાને કારણે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ જોવા મળ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ મોલના સિક્યુરિટી સ્ટાફ અને મેનેજમેન્ટમાં દોડધામ મચી ગઈ હતી. ભગવા સેનાના કાર્યકરોનો આક્ષેપ હતો કે ભારતીય સંસ્કૃતિમાં વિદેશી તહેવારોનું આ પ્રકારનું પ્રદર્શન યોગ્ય નથી. તોડફોડની આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કાર્યકરો ક્રિસમસ ટ્રી નીચે પાડતા નજરે પડે છે. પોલીસે આ મામલે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને મોલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તહેવારની મોસમમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.

ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજયોમાં નાતાલની ઉજવણી દરમિયાન છમકલાની ઘટનાઓ બની હતી ત્યારે અમદાવાદ સુધી આ વાયરો પહોંચતા પોલીસની ચિંતામાં વધારો થયો છે.

Exit mobile version