ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેલના કેદીઓ અને તેમના પરિવારોના ઉત્થાન તેમજ સામાજિક પુન:સ્થાપન માટે અનેક પ્રશંસનીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ’એક નઈ ઉમ્મીદ’ અને વિકાસદિપ આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા (DGP) ડો. કે.એલ.એન. રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બે યુવકો શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ઉદયરાજ સુરસંગભાઈ સોલંકી હતા, જેમણે વિપરીત પારિવારિક પરિસ્થિતિઓ અને સામાજિક પડકારો વચ્ચે પણ મક્કમ મનોબળ રાખીને સરકારી નોકરી મેળવી છે. શિવરાજસિંહના પિતા હત્યાના ગુનામાં છેલ્લા 8 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યા છે. પિતા પૂર્વ ભારતીય સૈનિક હોવાથી તેમણે જેલમાંથી પણ પુત્રને શિસ્ત અને દેશસેવાના સંસ્કાર આપ્યા. પરિણામે, શિવરાજસિંહ આજે ગુજરાત પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યા છે. જયારે ઉદયરાજના પિતા પણ છેલ્લા 12 વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. પિતાની ગેરહાજરીમાં સંઘર્ષ કરીને ઉદયરાજે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે સ્થાન મેળવી પરિવારનો સહારો બનવાનું સપનું સાકાર કર્યું છે. આ બંને નવનિયુક્ત યુવકોને DGP દ્વારા મોમેન્ટો અને રૂૂપિયા 15,000 ના પ્રોત્સાહક ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષથી અમલી આ યોજનાઓ કેદીઓના પરિવારો માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે. ’એક નઈ ઉમ્મીદ’ યોજના હેઠળ ધોરણ 10 અને 12 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કેદીઓના બાળકોને રોકડ પુરસ્કાર અપાય છે, જ્યારે ’વિકાસદીપ’ યોજના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થનારા યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે. કાર્યક્રમ દરમિયાન DGP ડો. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, કેદી સજા કાપે તેનો અર્થ એ નથી કે તેના બાળકોનું ભવિષ્ય રૂૂંધાઈ જાય. તેમણે ખાતરી આપી કે જે બાળકો ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને નિયમ મુજબ શિષ્યવૃત્તિ આપવા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. આ પ્રસંગે જેલના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કેદીઓ પણ હાજર રહ્યા હતા. પુત્રની સફળતા જોઈને જેલમાં સજા કાપી રહેલા પિતા રાજેન્દ્રસિંહ જાડેજા અને સુરસંગભાઈ સોલંકીની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સરકારી પ્રોત્સાહન મળે તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સંતાનો ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે છે.

