Site icon Gujarat Mirror

અગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજી

રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર ચાર આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. ચારેય આરોપીની અરજી આજે સુનાવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ ચીફ ફાયર ઓફિસર ઠેબાએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરતા પાંચેય આરોપીની ડિસ્ચાર્જ અરજીમાં મુદત પડી છે. આગામી 17મી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.19મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીએ કેસ ચાર્જફમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી.

ત્રણેય આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનું તહોમત પડકારી કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડિસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશિશ ન કરે જે ધ્યાને લઈ કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને તા.26મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કર્યો હતો. તેમાં તા. 26મી ડિસેમ્બરે અન્ય 12 આરોપીઓ પૈકી માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જે ચારેય આરોપીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ ચીફ ફાયર ઓફિસર ઠેબાએ પણ તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજી દાખલ કરતા પાંચેય આરોપીની ડિસ્ચાર્જ અરજીમાં મુદત પડી છે. આગામી 17મી જાન્યુઆરીના રોજ પાંચેય આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.

Exit mobile version