Site icon Gujarat Mirror

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને રૂપિયા 100ની લાંચ લેતા ચીફ કલાર્ક ઝડપાયો

ટિકિટ દીઠ વધારાના રૂા.100થી રૂા.500 સુધી પડાવતો હતો, એસીબીનું સફળ છટકું

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરો પાસેથી ટિકિટના નિર્ધારિત દર કરતા વધારાના નાણાં ઉઘરાવતા ભ્રષ્ટ રેલ્વે કર્મચારી વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. એક જાગૃત નાગરિકના સહયોગથી ગોઠવવામાં આવેલી લાંચના છટકામાં ચીફ કોમર્શીયલ ક્લાર્ક શિવકુમાર ગયાપ્રસાદ યાદવ 100 રૂૂપિયાની લાંચ લેતા સ્થળ પર જ દબોચાઈ ગયો હતો.

લાંબા સમયથી એસીબીને ચોક્કસ અને આધારભૂત માહિતી મળી રહી હતી કે, કાલુપુર રેલ્વે સ્ટેશનની બુકિંગ વિન્ડો પર ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ અન્ય રાજ્યોમાં જતા પરપ્રાંતિય મુસાફરોને નિશાન બનાવી રહ્યા છે. ટિકિટ ઇસ્યુ કરતી વખતે કાયદેસરના ભાડા ઉપરાંત મુસાફરો પાસેથી ટિકિટ દીઠ રૂૂ. 10 થી લઈ રૂૂ. 500 સુધીની વધારાની રકમ લાંચ પેટે માંગવામાં આવતી હતી. જે મુસાફરો વધારાના નાણાં આપવાની ના પાડતા તેમને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.

આ ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એસીબીના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર અને ઇન્ચાર્જ નાયબ નિયામક હરેશ મેવાડાના સુપરવિઝન હેઠળ લાંચના છટકુ ગોઠવવામાં આવ્યું હતું.આ કામગીરી માટે એક જાગૃત નાગરિકને ’ડીકોયર’ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા. તારીખ 13 એપ્રિલ, 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામી અને તેમની ટીમે કાલુપુર રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. એક જાગૃત નાગરિક જ્યારે બુકિંગ વિન્ડો પર ટિકિટ લેવા પહોંચ્યા, ત્યારે ત્યાં ફરજ પર હાજર ચીફ કોમર્શીયલ ક્લાર્ક (વર્ગ-3) શિવકુમાર ગયાપ્રસાદ યાદવ (રહે. ખોખરા, અમદાવાદ) એ ટિકિટના કાયદેસરના નાણાં ઉપરાંત વધારાના રૂૂ. 100ની લાંચની માંગણી કરી હતી.

આરોપીએ લાંચની રકમ સ્વીકારી, કે તરત જ નજીકમાં તૈનાત એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચ પેટે લીધેલા પૂરેપૂરા રૂૂ. 100 રિકવર કર્યા છે. રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળે થયેલી આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસીબી દ્વારા આરોપી શિવકુમાર યાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version