Site icon Gujarat Mirror

ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોત

તોફાની પવન સાથે કરાનો વરસાદ પડયો, ઠેર-ઠેર છાપરા ઉડયા, વૃક્ષો-વીજપોલ ધરાશાયી

ખેડૂતોને કુદરતનો ફટકો, ખેતરો અને માર્કેટ યાર્ડોમાં પડેલો માલ પલળી ગયો, હજુ બે દિવસ માવઠાની મોકાણ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન વાવાઝોડા સાથે 121 તાલુકામાં માવઠુ ત્રાટકયું હતું અને પાલિતાણા, જામનગરના ધ્રાફા તથા સુરતમાં ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગઇકાલે સવારથી ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટાના કારણે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટકયો હતો જેના કારણે માલ મિલકત અને શિયાળુ- ઉનાળુ કૃષિ પાકોને ભારે નુકશાન થયું હતું. અનેક સ્થળે માર્કેટ યાર્ડોમાં જણસીઓ પલળી ગઇ હતી. પાલિતાણામાં વૃક્ષ તુટી પડતા એક મહીલાનું, જામનગર જિલ્લા ધ્રાફામાં વિજળી પડતા યુવાનનું અને સુરતમાં હોર્ડિંગ્સ ધસી પડતા રાહદારી યુવાનનું મૃત્યુ નિપજયું હતું.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અષાઢી ચોમાસાની માફક 121 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે ગરમી ગાયબ થઇ ગઇ છે અને તાપમાનમાં રાતોરાત 17 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજયના 20 જિલ્લાના 121 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી 1.61 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના બગસરામાં 1.61 ઇંચ તેમજ ચોટીલામાં 1.54 ઇંચ તથા રાજકોટ અને ભેસાણમાં 1.38 ઇંચ વરસાદ નોંધાયો હતો. 22 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડયો છે.

રાજ્યના ખેડૂતો પર હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આવતીકાલે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યાતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં વરસાદની સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફંકાવવાની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ વરસી શકે છે.

કચ્છ, જામનગરમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, મોરબી, પોરબંદરમાં પણ કરા સાથે વરસાદ વરસી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં એક પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની સાથે આખા ગુજરાતના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Exit mobile version