રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે અને બીજા તબક્કામાં જનગણના હાથ ધરાશે. આ વિશાળ કામગીરીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ મોટા પાયે શિક્ષકો અને અધ્યાપકોની વિગતો મેળવવાની સાથે ઓર્ડર આપવાની પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે.
એક તરફ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ આગામી સંભવિત ચૂંટણીઓની તૈયારીઓ પણ ચાલી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા માટે અંદાજે 13,000 જેટલા શિક્ષકોની જરૂૂરિયાત ઊભી થવાની છે. તેની સાથે જ વસ્તી ગણતરીની જવાબદારી આવતા તંત્ર દ્વારા તમામ શાળાઓ અને કોલેજો પાસેથી સ્ટાફની વિગતો મંગાવવામાં આવી રહી છે.
એકસાથે ત્રણ મહત્વની કામગીરીઓ (બોર્ડ કામગીરી, ચૂંટણી અને વસ્તી ગણતરી) ભેગી થતા શિક્ષકોની ઘટ વર્તાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા કોલેજના અધ્યાપકોને પણ આ કામગીરીમાં જોડવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

