રાજકોટના રામનાથપરા જૂની જેલ પાસે રહેતા 48 વર્ષીય દિનેશભાઈ વિરમભાઈ સરૈયા (ભરવાડ) દરરોજની જેમ આજે સવારના આશરે 6:00 વાગ્યે પોતાના માલઢોરનું કામ પતાવી રામવન પાસે ગાયો દોહવા માટે ગયા હતા. દિનેશભાઈ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ પશુઓના ઘાસચારા માટે ત્યાં હાજર હતા. આ દરમિયાન રવિ નામના શખ્સે ત્યાં આવીને દિનેશભાઈ સાથે તકરાર શરૂ કરી હતી. આરોપીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તું રામવનમાંથી ઘાસ કેમ લઈ લે છે?” આ સામાન્ય પૂછપરછે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.
ઘટનાની વિગતો મુજબ, આરોપી રવિએ ઉશ્કેરાઈને દિનેશભાઈ પર લાકડી વડે સખત પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં દિનેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેમના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. હુમલા બાદ ઈજાગ્રસ્ત દિનેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી મળેલી વિગતો અને પશુપાલકના નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે ભરવાડ સમાજ અને સ્થાનિક પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી રહી છે.

