એક-એક બારી જ હોવાથી પ્રમાણપત્ર માટે આકરા તાપમાં કલાકો સુધી ઉભા રહેવા અરજદારો મજબૂર
બૂમરાણો બાદ અરજદારો માટે કૂલર, પાણી અને છાશ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરીણામ બાદ હાલ કોલેજો અને શાળામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ હોવાથી બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમીલર સર્ટીફિકેટ કઢાવવા માટે અરજદારોની બાળકો સાથે લાંબી કતાર લાગી છે. અસહ્ય બફરામાં પતરા નીચે કલાકો સુધી વાલીઓ-બાળકો ઉભા રહેવા મજબુર થયા હોવાની રાવ ઉઠવા પામી છે.
અરજદારે જણાવ્યું હતું કે, હું બે દિવસથી અહીં ધક્કા ખાવ છું, પરંતુ અહીંથી કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. કયા- કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂૂર પડશે તેવું પૂછવામાં આવે તો ઉટપટાંગ જવાબ આપવામાં આવે છે. હું તમામ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો મને કહેવામાં આવ્યું કે, વર્ષ 1978 પહેલાની જાતિની સાબિતી લઈ આવો. મારા પિતા કે દાદા કોઈ ભણેલા નથી તો 1978નું પ્રૂફ ક્યાંથી લઇ આવું?
વધુમાં જણાવ્યું હતુ કે, મારેOBCનો દાખલો કઢાવવાનો છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ કઢાવવાનું છે. મારી બંને દીકરીના એડમિશન માટે કોલેજમાં આપવાનું છે. અહીં લોકો તડકામાં હેરાન થાય છે. મારા લિવિંગ સર્ટિફિકેટમાં નાડોદા રાજપૂત લખેલું છે. હું OBCમાં આવું છું, છતાં આ લોકો માન્ય રાખતા નથી. મારી બંને દીકરીને કોલેજમાં નર્સિંગમાં એડમિશન લેવાનુ છે. હવે આ જાતિનો દાખલો નહીં નીકળતા મુશ્કેલી પડશે.જો કે, અરજદારોની આ હેરાનગતિને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા કેટલીક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે અરજદારો માટે કૂલર, પાણી અને છાશ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી તેમને ગરમીમાં રાહત મળી શકે. આ ઉપરાંત, અધિકારીઓને પણ સવારે 9:30 વાગ્યાથી તેમના કામ પર લાગી જવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી અરજદારોને વધુ રાહ જોવી ન પડે.
વધુમાં, અરજદારોની ભીડને પહોંચી વળવા માટે ત્રણ જેટલી વધારાની બારીઓ પણ શરૂૂ કરવામાં આવી છે, જેના કારણે હવે અરજદારોને પ્રમાણમાં ઓછો સમય કતારમાં ઊભા રહેવું પડશે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાથી અરજદારોએ થોડી રાહત અનુભવી છે, પરંતુ હજુ પણ તેઓ વધુ સુવિધા અને ઝડપી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.
દર વર્ષે સર્જાતી સમસ્યા સામે તંત્રના આંખ આડા કાન
શાળા કોલેજોમાં પરીણામ જાહેર થયા બાદ દર વર્ષ બહુમાળી ભવનમાં જાતિના અને નોન ક્રિમીલરના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવે છે. દર વર્ષ આ દાખલાઓ માટે કલાકો સુધી અરજદારોને લાઇનમાં તડકામાં ઉભુ રહેવુ પડે છે. છતા પણ બે-ત્રણ દિવસે વારો આવતો હોય છે. આ સમસ્યા એક-બારી હોવાના કારણે થતી હોય છે. અને હોબાળા બાદ જ તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરતુ હોય છે. તો હોબાળા પહેલા અને જાણ હોવા છતા તંત્ર કેમ અગાઉથી વ્યવસ્થા કરતુ નથી અને આંખ આડા કાન કરે છે. તેવા સવાલો અરજદારોમાં ઉઠી રહ્યા છે.

