કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈ

અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ…

અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા

શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ નામે વેપાર કરતાં હરિહર સોસાયટીના વેપારી સાથે રોકાણ પર ઉંચુ વળતર આપવાની લાલચ દઇ રૂૂા. 28 લાખની ઠગાઇ કરવામાં આવતાં ફરિયાદ દાખલ થઇ છે.વધુ વિગતો મુજબ,કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે આવેલી હરીહર સોસાયટીમાં ભક્તિધામ-1 ખાતે રહેતાં નિમેશભાઈ જગજીવનભાઈ રૂૂઘાણી (ઉ.વ.55)ની ફરિયાદ પરથી ડીઝલ ઓટો કોપોરેશનના સંચાલક મહેન્દ્રભાઈ મહેતા, હિતેષભાઇ મહેતા, નમન હિતેષભાઇ મહેતા અને ડીઝલ ઓટો કોર્પોરેશન ખાતે કામ કરતાં કર્મચારી ચંપક વિરૂૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નિમેશભાઈ પોતે ટાગોર રોડ પર પુનીત કાર એસેસરીઝ નામે ઓટોમોબાઈલ્સનો વ્યવસાય છેલ્લા 35 વર્ષથી કરે છે. આ વ્યવસાય દરમિયાન તેમનો પરિચય અમદાવાદ હાઈવે પર નવાગામ જકાતનાકા પાસે ડીઝલ ઓટો કોર્પોરેશન નામે પેઢી ધરાવતા મહેન્દ્રભાઈ મહેતા સાથે થયો હતો. વર્ષો જૂના ધંધાદારી સંબંધો હોવાને કારણે બંને વચ્ચે સારી ગાઢ વિશ્વાસ ઉભો થયો હતો. ફેબ્રુઆરી-2024માં મહેન્દ્રભાઈ મહેતાએ નિમેશભાઈની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી અને પોતાની એક નવી રોકાણ યોજના વિશે વાત કરી હતી. મહેન્દ્રભાઈએ એવી લાલચ આપી હતી કે તેઓએ માત્ર 20 અંગત મિત્રો અને સંબંધીઓ માટે એક ખાસ સ્કીમ તૈયાર કરી છે, જેમાં રોકાણ કરવાથી વાર્ષિક 12 ટકા જેવું ઉંચુ વળતર મળી શકે તેમ છે.

આ સ્કીમમાં વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી આપવામાં આવશે તેવી વાતો કરી નિમેશભાઈને વિશ્વાસમાં લીધા હતા. વિશ્વાસ વધુ દ્રઢ કરવા માટે મહેન્દ્રભાઈએ પોતાની પેઢી ડીઝલ ઓટો કોર્પોરેશનના લેટર પેડ પર પોતાના હસ્તાક્ષરમાં લખાણ કરી આપ્યું હતું કે 9,75,000ના રોકાણ સામે 13 મહિના પછી 10,50,000 પરત મળશે અને દર મહિને વળતરના હપ્તા આપવામાં આવશે. આથી નિમેશભાઈએ આ વાત પર વિશ્વાસ મૂકીને રોકાણ શરૂૂ કર્યું હતું. આ સ્કીમના રોકડા રૂૂપિયા લેવા માટે મહેન્દ્રભાઈ મહેતાનો પુત્ર હિતેષભાઈ મહેતા. પૌત્ર નમનભાઈ મહેતા અને પેઢીનો કર્મચારી ચંપકભાઈ અવારનવાર નિમેશભાઈની ઓફિસે આવતા હતા.

ત્યારબાદ માર્ચ-2024માં મહેન્દ્રભાઈએ બીજી એક સ્કીમની વિગત આપી, જેમાં 22,25,000નું રોકાણ કરવાથી 10 મહિનામાં 25,00,000 પરત મળવાની ખાતરી આપી હતી. આમ, અલગ-અલગ તબક્કે નિમેશભાઈએ કુલ 32,00,000 જેટલી મોટી રકમનું રોકાણ મહેન્દ્રભાઈની પેઢીમાં કર્યું હતું. આ તમામ વ્યવહાર રોકડમાં અને પરસ્પર વિશ્વાસના આધારે કરવામાં આવ્યા હતા.

આરંભે ફેબ્રુઆરી અને માર્ચ-2025 દરમિયાન કુલ રૂૂપિયા 3,50,000ની રકમ ત્રણ હપ્તામાં ચેક દ્વારા પરત કરી હતી. ત્યારબાદ જ્યારે મોટી રકમ પરત કરવાનો સમય આવ્યો ત્યારે મહેન્દ્રભાઈએ વાયદાઓ શરૂૂ કર્યા હતા. તેમણે નિમેશભાઈની પેઢી પુનીત ટ્રેડલિંકના નામે ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી બેંકના 1,50,000ના બે અલગ-અલગ ચેકો આપ્યા હતા, પરંતુ આ બંને ચેકો બેંકમાં જમા કરાવતા જ પુરતા નાણાંના અભાવે રિટર્ન થયા હતા.આથી નિમેષભાઇને પોતાની સાથે ઠગાઇ થયાનું સમજાયું હતું. તેમને પોતાની મુળ મુદ્દલ રકમ 28,50,000 અને તેના પરનું વળતર પરત ન મળતાં પોલીસને જાણ કરી હતી.આ અંગે એ ડિવિઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. સોલંકીએ ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.