Site icon Gujarat Mirror

જેતપુરમાં વેપારી સાથે રૂા.38 લાખની છેતરપિંડી, ચેક પડાવી ખોટી ફરિયાદ કરી

જેતપુરના જૂનાગઢ રોડ પર રહેતા અને સાડીનું કારખાનું ધરાવતા એક વેપારી સાથે રૂ.38 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જૂની અદાવતનો ખાર રાખીને વેપારીએ વર્ષો પહેલા ગેરંટી તરીકે આપેલો કોરો ચેક મેળવી તેમાં લાખોની રકમ ભરી ખોટો કેસ ઠોકી બેસાડવા બદલ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી પુનિતભાઈ વિનોદભાઈ વઘાસીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2021માં તેમને ધંધામાં નાણાંની જરૂર પડતા તેમના સંબંધી મારફતે જેતપુરના વિપુલભાઈ વિષ્ણુભાઈ પટેલ પાસેથી રૂ. 1 લાખ ઉછીના લીધા હતા. આ રકમના બદલામાં ગેરંટી તરીકે પુનિતભાઈએ પોતાની સહીવાળો એચડીએફસી બેંકનો કોરો ચેક અને પેઢીના લેટરપેડ પર લખાણ આપ્યું હતું.

વર્ષ 2022 સુધીમાં પુનિતભાઈએ તમામ નાણાં પરત ચૂકવી દીધા હતા, પરંતુ વિપુલભાઈએ “પછી આપી દઈશ” કહીને તેમનો ચેક અને લખાણ પરત આપ્યા નહોતા. ડિસેમ્બર 2024માં પુનિતભાઈને અચાનક ભાવેશભાઈ નાથાલાલ માથુકીયા (ગોકુલ ગમ પેઢીના માલિક) તરફથી રૂ. 38,11,500 ઉઘરાણીની નોટિસ મળી હતી. નોટિસમાં દાવો કરાયો હતો કે પુનિતભાઈએ તેમની પાસેથી ’ગુવાર દાળ’ ખરીદી હતી અને તેના પેમેન્ટ પેટે આ ચેક આપ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ એ જ જૂનો ચેક હતો જે વિપુલભાઈ પાસે જમા હતો.

પુનિતભાઈની તપાસમાં બહાર આવ્યું કે આ છેતરપિંડી પાછળ બે મુખ્ય કારણો હતા એક તો
ભાવેશભાઈ માથુકીયાને ફરિયાદીના પિતાના પ્લોટમાં હોટલ બનાવવી હતી, પરંતુ પિતાએ ભાડું ઘટાડવાની ના પાડી “કમાવાની ત્રેવડ ના હોય તો ફોન ન કરાય” તેમ કહી અપમાન કર્યું હતું. અને બીજું અગાઉ વિપુલભાઈના પિતાએ ફરિયાદીના પિતાનું કારખાનું ભાડે રાખ્યું હતું, જે ખાલી કરવા બાબતે પણ બોલાચાલી થઈ હતી. આ અદાવતનો ખાર રાખી વિપુલભાઈ અને ભાવેશભાઈએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેમણે ગોકુલ ગમ પેઢીના વેચાણના ખોટા બિલો અને ખોટી સહીવાળા ડિલિવરી ચલણો બનાવી, કોરા ચેકમાં મોટી રકમ ભરી તેને બાઉન્સ કરાવ્યો હતો અને કોર્ટમાં ખોટો કેસ દાખલ કર્યો હતો. પુનિતભાઈએ પોતાની ફરિયાદમાં વિપુલભાઈ પટેલ અને ભાવેશભાઈ માથુકીયા સામે છેતરપિંડી, દસ્તાવેજોમાં ચેડાં અને કાવતરું રચવાના આક્ષેપ કર્યા છે. જેતપુર સીટી પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.

Exit mobile version