Site icon Gujarat Mirror

બસપોર્ટ આખરે પાણીદાર બન્યું, પરબ શરૂ કરાયું

રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને લાપરવાહીના પગલે મુસાફરોને સુવિધા ને બદલે દુવિધા માં વધારો થઇ રહ્યો છે જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા મુસાફરોને પડી રહેલ ભારે હાલાકી અંગે નિંભર તંત્રનો કાન આમળતા અને મુસાફરોના હિતમાં અવાજ ઉઠાવી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરતા ડેપો મેનેજરના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.

ઉનાળાની ભિષણ ગરમી પડી રહી છે, ધોમ ધખતો તાપ પડી રહ્યો છે. રાજ્યમાં રાજકોટ માં 46 ડિગ્રી તાપ સાથે અગ્રીમ હરોળમાં છે ત્યારે ઉનાળાના પ્રારંભે જ રાજકોટ એસ.ટી બસ પોર્ટના પ્લેટફોર્મ નંબર 10 સામેનું પાણીનું પરબ બંધ રહ્યું હતું બે દિવસ સુધી બંધ રહેતા તત્કાલીન સમયે પાણીની બોટલો આપી વિરોધ કરવામાં આવતા તંત્ર રઘવાયું થયું હતું અને કોન્ટ્રાક્ટર ઉપર પગલા ભરવામાં આવ્યા નહોતા. ડેપો મેનેજર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર ઉપર દંડનીય કાર્યવાહી ન કરતા વધુ એક પાણીનું પરબ બંધ થયું અને પ્લેટફોર્મ નંબર 22 પર પાણીના ચાર નળ પૈકી એક પણ નળમાં એક ટીપું પાણી આવતું ન હોવાને પગલે મુસાફરો બસમાંથી ઉતરીને આ બંધ પરબે પાણીની બોટલ ભરવા જાય કે પાણી પીવા જાય તો મુસાફરોએ ભોઠા પડવું પડતું હતું. હાલ સમિતિની ઉચ્ચ સ્તરીય રજૂઆતો ના પગલે બસ પોર્ટ ના તમામ પાણીના પરબ શરૂૂ થતાં મુસાફરોને રાહત થઈ છે અને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિની સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા છે.

રાજ્યમાં ગુજરાત એસ.ટીમાં 28 લાખ મુસાફરો રોજિંદી મુસાફરી કરી રહ્યા છે. આવા ગરીબ અને ગ્રામ્ય પ્રજામાંથી મોટાભાગે એસ.ટી બસનો સહારો લેતા હોય છે. તો આવા મુસાફરો માટે જો રાજ્યના કોઈપણ એસ.ટી બસ સ્ટેશન પર પીવાના પાણીના ધાંધિયા હોય કે એસ.ટી બસ સ્ટેશનમાં લગાવેલા પંખા બંધ હોય તો પૂરી વિગતો સાથે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના હેલ્પલાઇન નંબર 94262 29396 પર ફરિયાદ કરી શકો છો.

ટિકિટ હોય તો જ ફરિયાદ બુકનો ફતવો
જ્યારે પાણીનું પરબ બંધ હોય ત્યારે ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ટ્રાફિક કંટ્રોલર ઓફિસે જઈ ફરિયાદ બુકમાં નોંધ કરવાનું કહેતા ટ્રાફિક કંટ્રોલર સુરેશભાઈએ કહ્યું કે હવેથી ડેપો મેનેજર દ્વારા સૂચના આપવામાં આવી છે કે ટિકિટ હોય તો જ ફરિયાદ બુક આપવી જો કે અગાઉ વગર ટિકિટે સમિતિ દ્વારા મુસાફર ને પડતી મુશ્કેલીઓ અંગે થોક બંધ ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદ બુક ને બદલે ઓનલાઈન ફરિયાદ કરવાનો હઠાગ્રહ રાખવામાં આવે છે. એટલે કે તમે તમારા મહેમાનોને એસ.ટી બસ સ્ટેશનમાં મૂકવા આવ્યા હોય અને તમને એસ.ટી બસ પોર્ટ તંત્ર સામે એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરવી હોય તો તમે ટિકિટ વગર સૂચન કે ફરિયાદ કરી નહીં શકો. ડેપો મેનેજરનો આ વળી નવો ફતવો બહાર પડ્યો આ અંગે સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે ઠરાવ હોય તો તે ડેપો મેનેજર રાજકોટ શહેરના દૈનિક વર્તમાન પત્રો માં જાહેર કરે એવી અમારી અપીલ છે.

 

Exit mobile version