જામનગર નજીક અકસ્માત બાદ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો
મેળામાંથી પરત ફરતી વખતે ખુંટીયો આડો ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં ઘવાયેલા મેડિકલ સંચાલકનું મોત નીપજ્યું હતું. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં 29 વર્ષીય જયેશભાઈ કણજારીયાએ અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાયું હતું. શેખપાટના જયેશભાઈ અમાસના દિવસે ભોળેશ્વર મહાદેવના મેળામાં ગયા હતા. ચંગાચેલા પાસેના રિલાયન્સના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
આ અંગે મળતી વિગત અનુસાર, જયેશભાઈ વલ્લભભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 29, રહે.શેખપાટ, તા. જિ.જામનગર) જામનગરના ગુરુદ્વારા સર્કલ પાસે આવેલી જીવનદીપ હોસ્પિટલ ખાતે મેડિકલ ચલાવતા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું કે, ગત શનિવારે અમાસ નિમિત્તે ચંગા ચેલા નજીક મચ્છું બેરાજા પાસે ભરાતા ભોળેશ્વર મહાદેવના મેળામાં જયેશભાઈ અન્ય લોકો સાથે ગયા હતા.
પરત પોતે એકલા બાઈક પર આવતા હતા. ત્યારે ચંગા ચેલા વાળા રોડ પર રિલાયન્સ ગેટ નંબર 8 પાસે ખુટીયો બાઈક સાતજે ભટકાયો હતો. બાઈક સ્લીપ થતા જયેશભાઇ રોડ પર પટકાયા હતા.
તેમને ગંભીર ઇજા થતા પ્રથમ. જીજી હોસ્પિટલ જામનગર બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં સારવાર દરમ્યાન આજે તા. 28ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

